પાણી વિતરણમાં ઠાગાઠૈયા:મોરબીના રવાપર રોડની સોસાયટીમાં પાણી મુદ્દે મહિલાઓનો પાલિકામાં મોરચો

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભર શિયાળે પણ તંત્ર પૂરતું અને નિયમિત પાણી વિતરણ કરવામાં ઠાગાઠૈયા કરતું હોવાનો આક્રોશ
  • ક્યારેક તો મોડી રાતે પીવાનું પાણી આપવામાં આવે અને તે પણ પૂર્વ જાહેરાત કર્યા વગર!

મોરબીના રવાપર રોડની સોસાયટીમાં પાણી વિતરણ અપૂરતું અને અનીયમિત થતાં મહિલાઓ નગરપાલિકામાં પહોંચી હતી. મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે તેમના વિસ્તારમાં એક વર્ષથી પીવાના પાણીનું અનિયમિત વિતરણ થતું હોય છે.માત્ર ચૂંટણી વખતે ફૂલ ફોર્સથી પાણી આવતું હોય અને હવે ચૂંટણી પુરી થઈ જતા ફરી પાણીની મોકાણ સર્જાઈ હોવાનો મહિલાઓએ બળાપો ઠાલવ્યો હતો અને હવેથી તેમની સોસાયટીમાં નિયમિત પણે પૂરતું પાણી આપવાની માંગ કરી હતી.

મોરબીના રવાપર રોડ પર આવેલ સાઈરામ સોસાયટીમાં પાણીના પ્રશ્નને લઇ મહિલાઓનો મોરચો પાલીકા કચેરીએ દોડી ગયો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં પાણીના કોઈ ઠેકાણા જ નથી.જેમાં દશ કે પંદર દિવસે પાણી આવે છે.આવા સંજોગોમાં હમણાં વિધાનસભાની પેટા ચૂંટણી સમયે આ સોસાયટીમાં એકદમ ફૂલ ફોર્સથી પાણી આવતું હતું. પણ જેવી ચૂંટણી પુરી થઈ કે તરતજ ફરી પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે. ફરી હવે દસ કે પંદર દિવસે પાણી આવે છે.

પાણીની અનિયમિતતતાને કારણે મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.તેથી મહિલાઓએ પાલિકા તંત્ર સમક્ષ એવો અણીયારો સવાલ કર્યો હતો કે જો ચૂંટણી સમયે નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી આવે તો રેગ્યુલર દિવસોમાં નિયમિત પાણી કેમ ન આવી શકે ? ઘણી વખત મોડીરાત્રે પાણી વિતરણ કરાઇ છે. આથી લોકો સુતા હોય પાણીથી વંચિત રહી જાય છે.

વેચાતું પાણી લેવાની નોબત!
પાણીના ધાંધિયાથી આ સોસાયટીના લોકોને વેચાતું પાણી મંગાવવું પડે છે અને દરરોજ પાણીના ટાંકા મંગાવી હાલ પાણીની જરૂરિયાત સંતોષે છે.પણ આ પાણી મોધું પડતું હોવાથી સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે.આ બાબતે અગાઉ રજુઆત કરી હોવા છતાં પાણીની સમસ્યા હલ ન થતા ફરી રજુઆત કરીને પાણી પ્રશ્નનું યોગ્ય રીતે કાયમી નિરાકરણ લાવવાની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...