મહિલાઓ સ્વાવલંબી બને અને તેમના જીવનમાં આર્થિક સદ્ધરતા આવે તે હેતુથી મોરબીની ઓલ ઈન્ડિયા મહિલા પરિષદ દ્વારા જેલ રોડ પર આવેલ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે બેન્કિંગ વ્યવહારો અંગેની માહિતી આપતો સેમિનાર યોજાયો હતો.બેન્ક ઓફ ઇન્ડિયા અને ઓલ ઇન્ડિયા મહિલા પરિષદના સહયોગથી બેન્ક પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લાભરની બહેનો એકઠી થઈ હતી. આ અંગે માહિતી આપતા મહિલા પરિષદ, મોરબીના પ્રમુખ પ્રફુલાબેન સોનીએ મીડિયાને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મહિલાઓ બેન્કિંગ વ્યવહારોથી અજાણ હોય છે. ત્યારે ખાસ તો મહિલાઓ પગભર બને અને બેન્કમાં એકાઉન્ટ કઈ રીતે ઓપન થાય, બેન્કનું એકાઉન્ટ બંધ થઈ ગયું છે તો તેમાં શું કરવું? આ ઉપરાંત બેન્કિંગ વ્યવહારોની સરળ સમજ મોરબીની બહેનોને મળે તે હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા બેન્ક ઓફ ઇન્ડિયાના સિનિયર મેનેજર સુનિતાબેને જણાવ્યું હતું કે, આ સેમિનારના માધ્યમથી અને બહેનોને બેન્કમાં થતા નાણાકીય વ્યવહારોની માહિતી અપાઈ હતી. આ ઉપરાંત બેન્ક દ્વારા ઘણી બધી સ્કીમ પણ કાર્યરત છે. જેમ કે ગોલ્ડ લોન, હોમ લોન વગેરે જેવી સ્કીમની માહિતી પણ બહેનોને પ્રદાન કરવામાં આવી હતી. ફિક્સ ડિપોઝિટ જેવા બચતના માધ્યમોની પણ સમજ અપાઈ હતી. બહેનો પોતે આત્મનિર્ભર બને અને જો તેમને કોઈ પણ બેન્કિંગ વ્યવહાર કરવો હોય તો તેમના મનમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ પેદા ન થાય તે હેતુથી આ સેમીનાર યોજાયો હતો.
ઓલ ઈન્ડિયા મહિલા પરિષદ મોરબીના પ્રમુખ પ્રફૂલાબેન સોની, સેક્રેટરી ધ્વનિ માંર્સેટી સહિતના હોદ્દેદારો તથા બેન્ક ઓફ ઇન્ડિયાના એડમિનિસ્ટ્રેશન વિભાગના સિનિયર મેનેજર સુનીતાબેન, લોન વિભાગના સિનિયર મેનેજર હંસિકાબેન યાદવ, બેન્કના અધિકારી કોમલબેન કટારીયા અને ક્લાર્ક ભાવનાબેન અજમેરિયા સહિતના હોદ્દેદારોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં મોરબી જિલ્લાની મહિલાઓએ આ સેમિનારમાં હાજરી આપી બેન્કિંગ વ્યવહારોની સમજ મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.