મોરબીના લાલપર ગામની ઈન્ડુસઇન્ડ બેંકમાં કામ કરતી મહિલા બેંક કર્મી નેહા ગજ્જરે ગ્રાહકોના ખાતામાં રૂપિયા જમા કરવાના બદલે પોતાની પાસે રાખતા હતા બાદમાં એટીએમમાં જે રૂપિયા હોય તેમાંથી અમુક રકમ ઉપાડી ખાતેદારોના ખાતામાં નાખી દેતા હતા. આમ ટ્રાજેક્શનમાં ગોલમાલ કરી ઉચાપત કરી હતી. રાજકોટથી ઇન્સ્પેકશન આવ્યુ ત્યારે કૌભાંડ બહાર આવતા ક્લસ્ટર મેનેજરે મહિલા કર્મી દ્વારા 15 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ નોધાવી હતી. જેની તપાસ કરતા બેંક મેનેજરની ભૂમિકા શંકાસ્પદ લાગતા તેને પણ આરોપી તરીકે ઉમેરી બન્નેની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
કેવી રીતે કરાતી હતી ઉચાપત, શા માટે કરી છેતરપિંડી?
મહિલા કર્મચારી પાસે ગ્રાહકોના રૂપિયા ખાતામાં જમા લેવા તેમજ એટીએમમાં ઉપાડ જમા અંગેનો હિસાબ રાખવા અને મેન્ટેન કરવાની જવાબદારી હતી અને અગાઉ અન્ય બેંકમાં કામ કર્યું હોવાથી કામગીરી અંગે લાંબા સમયથી જાણકારી હતી અને બેંકમાં ચેકિંગ કેવી રીતે થાય છે તે અંગે પણ માહિતગાર હતી. જેથી છટકબારી શોધી કૌભાંડ કરતી હતી. મહિલા કર્મી જયારે કોઈ ગ્રાહક મોટી રકમ ખાતામાં જમા કરવા આવે તો તમામ રકમ જમા કરવાને બદલે અમુક રકમ પોતાની પાસે રાખી લેતી હતી. બાદમાં એટીએમનો જયારે હિસાબ લેવાનો હોય તો તેટલી રકમ ફરી જે ખાતેદાર જમા કરવા આવ્યો હોય તેના ખાતામાં જમા કરી દેતી હતી જયારે એટીએમનું ચેકિંગ કરવાનો સમય હોય તો ગ્રાહકોના રૂપિયા તેમાં મૂકી દેતી. જો કે એટીએમના ટ્રાંજેકશનનું ચેકિગ ખુબ ઓછું થતું હોવાથી કોઈને શંકા જતી ન હતી અને તેનો લાભ લઇ છેલ્લા 5થી 6 મહિનાથી આ કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું હતું. મહિલા કર્મચારીની પુછપરછ કરતા મહિલાએ મોજશોખ કરવા અલગ અલગ લોકો પાસેથી ઉધાર રૂપિયા લીધા હતા જેથી દેવું થઇ જતા તે દેવું ભરવા તેમજ બાકીના રૂપિયા મોજશોખમાં ઉડાડવા છેતરપિંડી આચરી હોવાની કબુલાત આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.