• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • With Bandages In Her Hands And Tears In Her Eyes, Jamilaben Of Morbi Asked The System 'You Pushed Many People To Death For The Lure Of Rs.17 Only?'

'એક કલાક લટકી પણ કોઈ બચાવવા ના આવ્યું':'ઘરમાંથી 7 જણા જતાં રહ્યા, હું એક જ પાછી આવી', રડતાં રડતાં મોરબીની મહિલાએ વાત કરી

મોરબીએક મહિનો પહેલાલેખક: હર્ષ પટેલ

'ન જાણ્યુ જાનકી નાથે કે કાલે સવારે શું થશે' એમ મોરબીનાં જમીલાબેનને ક્યાં ખબર હતી કે પરિવાર સાથેની આ છેલ્લી પળ હશે. સાથે જઇએ તો છીએ પણ સાથે પરત ફરીશું નહીં! હાથમાં પાટો અને આંખોમાં આંસુ સાથે જમીલાબેન દિવ્ય ભાસ્કર દ્વારા તંત્રને સવાલ કરે કે, શું માણસના જીવની કિંમત 17 રૂપિયા? માત્ર 17 રૂપિયાની લાલચમાં તમે અનેક લોકોને મોતના મુખમાં ધકેલી દીધા? જમીલાબેન પાસે સવાલ ઘણા છે જવાબ આપવાવાળું કોઇ નથી.

પરિવારના સાત લોકોનાં મોત
મોરબીની ઘટનાએ ગુજરાતને નહીં પરંતુ સમગ્ર દેશને હચમાવી દીધો છે. રવિવારની રજા મોરબી માટે કાળી સાબિત થઇ છે. પુલ સાથે 135થી વધુ જીંદગીઓ પણ તૂટી ગઇ છે. ત્યારે દિવ્ય ભાસ્કર એક એવા ઘરે પહોંચ્યું છે. જ્યાં એક હસતો-રમતો પરિવાર દુર્ઘટનામાં હોમાઇ ગયો છે. મોરબીનાં જમીલાબેન રવિવારની રજાના દિવસે બાળકો અને પરિવાર સાથે ઝૂલતા પુલ ઉપર ગયાં હતાં પણ પરત માત્ર તેઓ એકલાં જ ફર્યાં. જમીલાબેનના પરિવારના સાત લોકો આ દુર્ઘટનામાં હોમાઇ ગયા છે.

સિવિલમાં પૂરતી સારવાર પણ નથી મળી: જમીલાબેન
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ભારે હૈયે જમીલાબેને જણાવ્યું હતું કે, ઝૂલતા પુલ પરથી અમે પરત ફરતાં હતાં, થોડેક સુધી ચાલ્યાં ત્યાં તો પુલ તૂટી ગયો અને બધાંય નીચે પડી ગયાં. અમે આઠ લોકો ગયા હતા, જેમાથી હું એક જ પરત ફરી. મારી દેરાણી, એમનાં બે છોકરાં, મારી નણંદ, એમનાં બે છોકરા અને એક મારી દીકરીનાં મોત થઇ ગયાં. મને હાથમાં ફેક્ચર થયું છે, જેની સારવાર પણ મોરબી સિવિલમાં મળી નથી. માત્ર પાટો બાંધીને રવાના કરી દીધા. મે પ્રાઇવેટ હોસ્પિટલમાં પાટો બંધાવ્યો છે. પુલ તૂટવાની ઘટનામાં તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઇએ. શું માણસના જીવની કિંમત માત્ર 17 રૂપિયા જ?, થોડા પૈસા કમાવા માટે થઇને તમે લોકોની જીંદગી છીનવી લેશો?, પરિવાર છીનવી લેશો? આવા અનેક સવાલો જમીલાબેન પાસે છે પણ જવાબ આપવાવાળું કોઇ નથી. જમીલાબેનના ઘરે અત્યારે તો સ્વજનોની અવર-જવર રહે છે પણ પરિવાર વગરની આગળની જીંદગી કંઇ રીતે જશે એ સવાલ એમને કોરી ખાય છે.

અત્યાર સુધી 135 લોકોનાં મોત
રવિવારે સાંજે સાડા છ વાગ્યે પુલ તૂટતાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. ઘટનાની જાણ થતાં નેવી, આર્મી, એરફોર્સ, NDRF સહિત રાજ્યના અનેક જિલ્લાના તરવૈયાઓ મોરબી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના નેતાઓએ જાત નિરીક્ષણ કર્યું હતું. આખી રાત અનેક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...