વાતાવરણમાં પલટો:મોરબીમાં હવામાન પલટાયું, દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજે છાંટા પડતા ઠંડીનું પ્રમાણ વધ્યું

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં મિશ્ર વાતાવરણથી શિયાળુ પાકને અસર થવાની ભીતિ

મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી અને તેની અસર બુધવારથી જોવા મળી હતી દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજના શહેર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં હળવા છાંટા પડ્યા હતા. અચાનક થયેલ વરસાદના કારણે મોરબી શહેર ફરી ટાઢું બોર બની ગયું છે. છેલ્લા 15 દિવસમાં બીજીવાર આ રીતે વાતાવરણમાં પલટો આવતા એક તરફ શિયાળુ પાકમાં નુકસાનીની ભીતિ વધી છે તો બીજી તરફ વાઇરલ બીમારી વધવાની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં 5 થી 7 જાન્યુઆરી દરમિયાન વાદળછાયા વાતાવરણ, કમોસમી વરસાદની આગાહી કરાઇ હતી અને આગાહી સાચી પડી રહી હોય તેમ મંગળવારે સવારથી વાતાવરણમાં પલટો આવી ગયો હતો, બપોર સુધી હળવા વાદળા છવાયા હતા, સાંજે વાતાવરણ ધાબડિયું બન્યું હતું. સાંજના સમયે શહેર અને આસપાસના વિસ્તારોમાં વાદળા સાથે છાંટા પડ્યા હતા. ફરી ઠંડીનું જોર વધ્યું હતું અને લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થયો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ એટલે કે બુધથી શુક્ર હળવા વરસાદની આગાહી કરાઇ છે. ઉપરાંત વાતાવરણમાં ઠંડીનું જોર વધશે અને લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી નીચે જવાની, દિવસે મહતમ તાપમાન 29થી 30 ડિગ્રી વચ્ચેની સંભાવના વ્યક્ત કરી છે, પવનની ગતિ 10 થી 13 કિમી પ્રતિ કલાક. કમોસમી વરસાદ, વાદળછાયા વાતાવરણના કારણે સવાર-સાંજ ઠંડી, બપોરે ગરમીના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થવાની સંભાવના છે. મિશ્ર ઋતુના કારણે શરદી, ઉધરસ, તાવની બીમારીમાં વધારો થવાની સંભાવના છે.

15 દી’માં 586 દર્દીને શરદી, ઉધરસ : મલેરિયાના ત્રણ કેસ
મોરબી જિલ્લામાં છેલ્લા 15 દિવસ દરમિયાન બે વાર કમોસમી વરસાદ જેવો માહોલ બન્યો હતો જેના કારણે ઠંડી,વરસાદ તેમજ ગરમી એમ ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો જેના કારણે વાયરલ બીમારીનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે 586 કેસ તાવ, શરદી, ઉધરસના નોંધાયા હતા તો 3 મલેરિયાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સિવાય ડેન્ગ્યુના 77 દર્દીના ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 7 કેસ પોઝિટિવ નોંધાયા હતા. ખાનગી ક્લિનિકમાં પણ વાઇરલ બીમારીનું પ્રમાણ ઘણુંખરું વધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...