ગરમીએ આકરા તેવર ધારણ કરતા પાણની ખપત વધી છે તેની સાથે મોરબી જિલ્લાના મહત્વના જળસ્ત્રોતો ધીમે ધીમે ખાલી થઇ રહ્યા હોઇ, જિલ્લાના છેવાડાના વિસ્તારોના લોકો ટેન્કરના ભરોસે જીવવા મજબુર બન્યા છે ત્યારે બ્રાહ્મણી 1 ડેમનું પાણી પીવા માટે જ અનામત રાખવા અને ડેમમાંથી ગેરકાયદે કનેક્શન લઇ પાણી ચોરી કરતા તત્વો સામે આકરાં પગલાં લેવાના નિર્દેશ અધિકારીઓ અને વહીવટી તંત્ર સાથેની બેઠકમાં મંત્રી મેરજાએ આપ્યા હતા અને જણાવ્યું હતું કે પાણી ચોરી કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.
મોરબી-માળીયા વિસ્તારના પીવાના તેમજ સિંચાઇના પાણીના પ્રશ્નોને ધ્યાને લઇને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેરજાએ જણાવ્યું હતું કે, કોઇપણ સંજોગોમાં પાણીના ગેરકાયદેસર કનેક્શન ચલાવી નહીં લેવામાં આવે.
બ્રાહ્મણી ડેમમાંથી ગેરકાયદેસર રીતે લેવાયેલા પાણીના કનેક્શનને દૂર કરવા અને બ્રાહ્મણી ડેમનું પાણી ફક્ત પીવાના પાણી તરીકે જ ઉપયોગમાં લેવાના આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત સૌની યોજના અંતર્ગત વધુ ગામડાઓનો સમાવેશ કરવા માટે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલીક ટેન્કર મારફતે પણ પીવાના પાણી પૂરા પાડવા અંગે પણ સુચનાઓ આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર પરાગ જે. ભગદેવ, અધિક કલેક્ટર એન.કે. મુછાર સહિત પાણી પુરવઠા, સીંચાઇ, પી.જી.વી.સી.એલ. માર્ગ અને મકાન વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ વિવિધ ગ્રામ પંચાયતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામ્યમાંથી ઉઠતા પાણીના પ્રશ્નોને પ્રાધાન્ય દેવા સૂચના
આ સમીક્ષા બેઠકમાં વેણાસર, ચીખલી, કુંભારિયા, રોહીશાળા, વાંકડા, મહેન્દ્રનગર, વરસામેડી, સોખડા, વીરવીદરકા, નાગડાવાસ સહિત અન્ય ગ્રામ પંચાયતોના પાણીના પ્રશ્ને મંત્રી મેરજાએ અધિકારીઓને તેમના પ્રશ્નોનો તાત્કાલિક નીવેડો લાવવા વિવિધ સુચનો કર્યા હતા. સાથે જ તમામ સંબંધિત વિભાગોને સંકલનમાં રહીને પ્રગતિ હેઠળના અધૂરા કામો પણ તાત્કાલીક કામગીરી કરવા પણ સુચનાઓ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.