હાલ રાજ્યમાં ભયંકર ઠંડી પડી રહી છે. તેથી લોકો રાત્રે તથા વહેલી સવારે ઘરેથી નિકળવાનું ટાળી રહ્યાં છે. ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના સાત ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી દિવસે વીજ પુરવઠો આપવા માગ કરી છે.
માળિયા તાલુકાના જુના ઘાટીલા, ખાખરેચી, મંદરકી, રોહીશાળા, વેજલપર સહિતના ગામના ખેડૂતોએ ભાજપ અગ્રણી કેતન વિડજાને સાથે રાખીને આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું છે કે હાલ શિયાળાની ઋતુ હોવાથી રાત્રે ભયંકર ઠંડી પડે છે અને રાત્રે પાણી આપવાથી જમીન અંદર રહેલા જીવ જંતુ બહાર આવવાથી અંધારામાં ખેડૂતોને ભય રહે છે. સરકારની સૂર્યોદય યોજના મુજબ ખેડૂતને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે સ્કીમનો અમલ કરાવી વેજલપુર ફીડરમાં આવતા ગામો જુના ઘાટીલા, ખાખરેચી, મંદરકી, રોહીશાળા અને વેજલપર સહિતના ગામોને ખેતી માટે દિવસે વીજ પુરવઠો આપવામાં આવે.
સાથે જ કહેવામાં આવ્યું છે કે લોડ સેટિંગ કરવાના બહાને બે-બે કલાક વીજળી કાપી નાખવામાં આવે છે. જેથી ખેડૂતોને હેરાનગતિ થાય છે. જેથી યોગ્ય કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. ચાલુ માસમાં 9 અને 14ના રોજ ખેડૂતોને વીજળી આપવામાં આવી નથી તેમ પણ આવેદનમાં અંતમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.