ગેરકાયદેસર કનેક્શન:મોરબીના બગથળા ગામને જોડતી પાણીની લાઈનમાં ભૂતિયાં કનેક્શન હટાવવા ગ્રામજનોએ ચેકિંગ કર્યું

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં એક મહિનાથી પાણી મળતું નથી, ફાર્મહાઉસમાં પાણીના ગેરકાયદે કનેક્શન લઈ પાણીની ચોરી, પંચરોજ કરાયું
  • ગામ લોકોએ પાણી પુરવઠાના અધિકારીને સાથે રાખી ચેકિંગ કરતા 35 થી 40 કનેક્શન ગેરકાયદે હોવાનું બહાર આવ્યું

મોરબી તાલુકાના નાની વાવડીથી બગથળા ગામ સુધીના રોડ પર પાણીની લાઈનમાં ફાર્મ હાઉસ તેમજ અન્ય મિલ્કતધારકોએ ભંગાણ કરી ગેરકાયદે પાણીના ભૂતિયા કનેક્શન લઈ લેતા બગથળા ગામમાં એકાદ મહિનાથી પાણીની કટોકટી સર્જાઇ હતી. જેને લઈ બગથળા ગામના લોકો વિફર્યા હતા અને બુધવારે ગામલોકોએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સાથે રાખીને ભૂતિયા નળ કનેક્શન ચેક કરવા માટે પંચરોજ કામ હાથ ધર્યું હતું.

બાદમાં આ ગેરકાયદે નળ કનેક્શન દૂર કરવાની અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દરમિયાન સરપંચ અને ગ્રામજનોએ અધિકારી વર્માને મળીને રજૂઆત કરતા આ અધિકારીએ ગેરકાયદે પાણીના કનેક્શન દૂર કરવા માટે કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી હતી. આથી તમામ ગામલોકો એકઠા થઈને અધિકારીને સાથે રાખી આ રોડ ઉપરના ગેરકાયદે પાણીના કનેક્શન ચેક કરવાની કાર્યવાહી કરી હતી.

જેમાં આશરે 35 થી 40 જેટલા પાણીના કનેક્શન ગેરકાયદે હોવાનું સામે આવતા અધિકારીએ હવે પછી આ ગેરકાયદે પાણીના કનેક્શન દૂર કરવાની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. આમ છતાં કાર્યવાહી ન કરાઇ તો ગામલોકોએ કાયદેસરના પગલાં ભરવાની ચેતવણી આપી છે. નાની વાવડીથી બગથળા ગામ સુધીના રોડ ઉપર અનેક ગેરકાયદે પાણીના કનેક્શન છે.

ભૂતિયા નળ કનેક્શનને કારણે હાલમાં છેલ્લા એક મહિનાથી અમારા ગામમાં પાણી પહોંચતુ નથી. વચ્ચે કોઈ ફાર્મ હાઉસ કે અન્ય આસામીઓએ આ ગેરકાયદે નળ કનેક્શન લીધા છે. અમારા ગામને પીવાનું પાણી મળતું નથી અને લોકો પાણી વગર ટળવળી રહ્યા છે.ત્યારે આવા ફાર્મ હાઉસમાં ગેરકાયદે પાણીનો દૂર ઉપયોગ થાય છે.

આથી આ ભૂતિયા કનેક્શન દૂર કરવા માટે તેઓએ તમામ લાગતા વળગતા તંત્રને રજુઆત કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા ગામલોકોએ આજે જવાબદાર અધિકારીઓને સાથે રાખી પંચરોજ કામ કર્યું હોવાનું બગથળા ગામના સરપંચ ચુનીભાઈ જેરામભાઈ થોરીયાએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...