મોરબી તાલુકાના ઘૂટું ગામ નજીક દેશી દારૂના અડ્ડા ધમધમતા હોય અને પોલીસ ટીમ નિષ્ક્રિય જોવા મળતા ગ્રામજનોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. એક ઈસમને ઝડપી લઈ પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી તાલુકાના ઘૂટું ગામે દેશી દારૂના અડ્ડા પર ગ્રામજનોએ જનતા રેડ કરી હતી. ગ્રામજનોએ કેનાલ પાસે રેડ કરતા દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ રંગેહાથ ઝડપાયો હતો. જેથી આ ઈસમને ઝડપી લઈ ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસને સોપવામાં આવ્યો હતો. જોકે ગામમાં દારૂની હાટડીયો ધમધમતી હોય અને પોલીસને તેની જાણ પણ નથી હોય તે કેટલુ યોગ્ય? તેવી અનેક ચર્ચા ગ્રામજનોના મુખે સાંભળવા મળી હતી. પોલીસ પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહેતા ગ્રામજનોએ જાતે રેડ કરી દારૂ સાથે એક ઈસમને ઝડપી લીધો હતો.
ઘૂટું ગામમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું બે રોકટોક વેચાણ કરવામાં આવી રહ્યું છે. યુવાનો દેશી દારૂના નશાના રવાડે ચડી બરબાદ થઇ રહ્યા છે. જે મામલે સરપંચને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરપંચે પણ કોઈ પગલા ભર્યા ન હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. તો આખરે ગ્રામજનોએ જાતે જ જનતા રેડ કરી હતી.
ઘૂટું ગામે મોરબી તાલુકા પોલીસના જશપાલસિંહ જાડેજા, મનીષ મિયાત્રા સહિતની ટીમ દોડી ગઈ હતી. જેને આરોપી મયુર મનસુખ સીતાપરા રહે કુબેર ટોકીઝ પાછળ મોરબી વાળાને ઝડપી લીધો હતો અને ગુનો નોંધી તપાસ ચલાવી છે. જેમાં આરોપીએ એક-બે દિવસથી અહીં દારૂ વેચાણનું કામ શરુ કર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.