મોરબી સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદને પગલે શિયાળુ પાકની યાર્ડમાં અને શાકભાજીની આવક ઘટી ગઈ હતી. ખાસ કરીને શાકભાજીની આવક અડધી થઈ જતાં ભાવ બમણો થઈ ગયો હતો.જેના કારણે ગૃહિણીઓમાં દેકારો મચી ગયો હતો. હોળીના તહેવાર સમયે જ અચાનક શાકભાજીના ભાવમાં વધારો થવાથી ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા હતા.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આસરના કારણે રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો, ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગના તાલુકા વિસ્તારમાં હળવાથી મધ્યમ ઝાપટાં વરસ્યા હતા તો ક્યાંક કરા પણ પડયા હતા હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોને જણસ ન લાવવા અપીલ કરવામાં આવી હતી.
જો કે તેની અસર બજારમાં પણ જોવા મળી હતી ખાસ કરીને શાક ભાજીમાં તેની સીધી અસર જોવા મળી હતી.મોરબી યાર્ડમાં છેલ્લા બે દિવસથી શાકભાજીની આવક અડધી થઈ ગઈ છે જેના કારણે છૂટક બજારમાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો હતો. એક દિવસમાં શાકભાજીના ભાવ બમણો થઈ જતાં ગૃહિણીઓમાં દેકારો મચી જવા પામ્યો હતો.
આવક અડધી થઇ અને ભાવો બમણાં થયાં
1 માર્ચથી 3માર્ચ દરમિયાન રીંગણની દૈનીક આવક 23 ક્વિન્ટલ હતી જે કમોસમી વરસાદને કારણે માત્ર 12 ક્વિન્ટલ રહી ગઈ હતી તો ટામેટાની દૈનિક આવક 64 થી65 ક્વિન્ટલ હતી જે મંગળવારે ઘટીને માત્ર 38 ક્વિન્ટલ જ રહી હતી.
કોબીજમાં પણ 40ક્વિન્ટલથી ઘટી માત્ર 25 ક્વિન્ટલ રહી હતી. ટમેટા બજારમાં 15થી20 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા તેનો ભાવ સીધો 30થી 35કિલો પ્રતિ કિલો થઈ ગયા હતો. તહેવાર સમયે જ અચાનક શાકભાજીના ભાવના ભડકો આવતા મહિલાનું બજેટ ખોરવાઈ ગયા હતા.
ઘઉં, ચણા, એરંડા, રાઇ સહિતની આવક પર અસર
આજ પ્રકારે સોમવારે થયેલા કમોસમી વરસાદને પગલે યાર્ડમાં શિયાળુ પાકની આવક પણ ઘટી હતી. ઘઉં કપાસ, તલ, મગફળી સહિતની જણસ આવી ન હતી. જો કે આ પૂર્વે ઘઉં,જીરું, રાય,રાયડો, ચણા એરંડા સહિતના પાકની આવક થઈ હતી. ચાલુ સપ્તાહનાં 1102 ક્વિન્ટલ ઘઉં, 6662ક્વિન્ટલ જીરું, 521ક્વિન્ટલ રાય, 1865 ક્વિન્ટલ રાયડો,1607ક્વિન્ટલ ચણા, 531 ક્વિન્ટલ એરંડા સહિતના પાકની આવક થઈ હતી. જો કે કમોસમી વરસાદને પગલે ખેડૂતો પોતાની જણસ લઈને ન આવતા આવક નહિવત થઇ છે. જોકે આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટતા ફરી શિયાળુ પાકની આવક શરૂ થશે અને હોળી તહેવાર બાદ સ્થિતિ પૂર્વવત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.