ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. ત્યારે હવે ભાજપ એક્શન મોડમાં જોવા મળે છે. સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. જેમાં આજે શુક્રવારે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કિરણ સિરામિક રાતીદેવડી રોડ વાંકાનેર ખાતે વાંકાનેર ભાજપના નેતા જીતુ સોમાણીના સમર્થનમાં પધાર્યાં હતા. આ તકે સીએમ યોગી આદિત્યનાથે બુલડોઝર શણગાર કર્યો હતો અને સભા સંબોધતા કહ્યું હતું કે, આ લડાઈ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓની છે.
ગુજરાતે કોરોના મહામારી સામે લડત આપી
વાંકાનેર ખાતે યોગી આદિત્યનાથ સભા સંબોધતા પ્રથમ તો ગુજરાતીમાં કહ્યું હતું કે, હું મોરબી અને વાંકાનેરની જનતાનું સ્વાગત અને અભિવાદન કરવું છે. જે સાંભળીને સભા સ્થળે ઉપસ્થિત સર્વેએ હર્ષનાદ કર્યો હતો. જે બાદ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે હું એ પ્રદેશમાંથી આવું છું જ્યાં મહાદેવ, શ્રીકૃષ્ણ અને શ્રીરામ ત્રણેયની ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે. જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે ગુજરાત અને મોરબીનું શું થશે એવું લોકો વિચારતા હતા, પરંતુ પોતાના મજબૂત મનોબળથી આજે મોરબી અને ગુજરાત અડીખમ છે. અનેક આફતો સહન કરી મોરબી ફરી બેઠું થયું છે. ગુજરાતે કોરોના જેવી મહામારીની સામે પણ લડત આપી હતી. કોરોનાના કપરા કાળમાં પીએમ મોદી દ્વારા પ્રત્યેક સમસ્યાઓના નિવારણ માટે શ્રેણીબદ્ધ સકારાત્મક પગલાઓ લેવામાં આવ્યા હતા.
વિશ્વની સામે એક રોલ મોડલ રાષ્ટ્ર બન્યું
આ ઉપરાંત યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાની યાદીમાં ભારતનું નામ પણ સામેલ થયું છે. ભારત આજે સમગ્ર વિશ્વની સામે એક રોલ મોડલ રાષ્ટ્ર બન્યું છે જે સૌ માટે ગર્વની વાત છે. ભારતની આઝાદી માટે ગાંધીજીએ અનેક વર્ષો સુધી જેલવાસ ભોગવ્યો હતો. સરદાર પટેલે ભારતના વિકાસ માટે દેશી રાજ્યોનું વિલીનીકરણ કર્યું ત્યારે આજે આ ભારતભૂમિ બની છે.
પ્રચંડ માત્રામાં મત આપીને વિજય બનાવવા અપીલ
આ ઉપરાંત વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, શું તમને એવું લાગે છે કે આજે કોંગ્રેસનું શાસન હોવું જોઈએ! જો કોંગ્રેસનું શાસન હજુ સુધી યથાવત હોત તો શું કાશી વિશ્વનાથ મંદિર બની શક્યું હોત? શું કાશ્મીરમાં 370ની કલમ નાબૂદ થઈ હોત? કોંગ્રેસના શાસનમાં આવું કંઈ પણ શક્ય બન્યું હોત? તેવું સીએમ યોગીએ સભામાં ઉપસ્થિત સર્વેને પૂછ્યું હતું અને અંતમાં દરેક નાગરિકોને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ માત્રામાં મત આપીને વિજય બનાવવાની અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.