2100થી વધુ કર્મચારીઓ મેદાને:મોરબીમાં કર્મચારી મહામંડળના નેજા હેઠળ તમામ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના ચાલુ કરવા રજૂઆત કરી

મોરબી21 દિવસ પહેલા

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ મોરબીના નેજા હેઠળ મોરબી જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના ચાલુ કરવા મુદ્દે સરકારમાં અનેક રજુઆત અને આંદોલન કરવા છતાં સરકારે મચક ન આપતા અંતે ફરી સરકારી કર્મચારીઓ સરકાર સામે જંગે ચઢી આજે લાલબાગ તાલુકા સેવાસદન ખાતેથી વિશાળ રેલી કાઢી હતી.

જેમાં શિક્ષકો, તલાટી, જિલ્લા પંચાયત સહિત સરકારના જુદા જુદા 17 વિભાગોમાં ફરજ બજાવતા આશરે 2100 જેટલા કર્મચારીઓ જૂની પેન્શન યોજના ચાલુ કરો, તેમજ એચ ટાટના પ્રશ્નો સહિતના પડતર પ્રશ્નોના બેનર દર્શાવી પોતાની માંગને બુલંદ બનાવી હતી. મોટી સંખ્યામાં સરકારી કર્મીઓએ રેલી કાઢી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને 15 જેટલી પડતર માંગણીઓ અંગે આવેદન આપ્યું હતું.

દરમિયાન આજથી સરકારી કર્મચારીઓએ લડતના મંડાણ કરી દીધા છે. આજે રેલી અને આવેદનપત્ર આપ્યા પછી પણ સરકાર તેમની માગણી નહિ સંતોષે તો અગાઉ તબબકાવાર આંદોલનની કરેલી જાહેરાત મુજબ હવે તા 11 સપ્ટેમ્બરે ઝોન કક્ષાએ રેલી અને કલેકટરને આવેદન, 17 સપ્ટેમ્બરે માસ સી.એલ. તા.22 સપ્ટેમ્બરે પેનડાઉન અને 30 સપ્ટેમ્બરે અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપ્યું છે.આજની રેલીમાં લેન્ડ રેકર્ડ મંડળ, તલાટી મંડળ, આરોગ્ય, પંચાયત સહિતના યુનિયનના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...