મોરબીના વેપારી સાથે બનાવટી પેઢી ઉભી કરી અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી એક્સપોર્ટ કરવાની લાલચ આપી લાખોની ઠગાઈ કરવામાં આવી હતી. જે ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને એલસીબી ટીમે પંજાબથી ઝડપી લઈને નકલી દસ્તાવેજો, બેન્કની પાસબૂક સહિતના મુદામાલ સાથે ઝડપી લીધા છે.
મોરબીમાં શાર્પ કોર્પોરેશન નામની ઓફીસમાં ટ્રેડીંગનો વેપાર કરતા સાગર ભાડજાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, પેસીફીસાઈન નેચરલ નટ્સ નામની કંપનીથી ખરીદ કરવા અને વિદેશી કંપનીમાં વેચાણ કરી કમાણી કરવાની લાલચ આપી અલગ અલગ સમયે બેંક એકાઉન્ટમાં રૂ 29.58 લાખની રકમ પડાવી લઈને ચિટિંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદને પગલે મોરબી એલસીબી ટીમે વધુ તપસ ચલાવી હતી. જેમાં ગુનામાં વપરાયેલ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટની વિગતો મેળવી તપાસ કરતા અને જિલ્લાની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ માધ્યમથી તપાસ કરતા શર્મા એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ NCCRP પોર્ટલમાં અનેક અરજીઓ પેન્ડીંગ હોવાથી વધુ તપાસ માટે ટીમ પંજાબ રાજ્યમાં રબના કરવામાં આવી હતી. જેમાં પંજાબના લુધિયાણા ખાતે શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢીની અને બેંક એકાઉન્ટ નંબરની તપાસ કરતા ગુનો શોધી કાઢવામાં સફળતા મળી હતી અને આરોપી અમાનઉલ્લામિયા ઉર્ફે રામદેવ શર્મા અશગરઅલી અબ્દુલહક્ક અન્સારી અને મહમદ ફિરદોશ ઉર્ફે રમેશકુમાર ઈસ્માઈલને ઝડપી લીધા હતા.
જે બંને ઈસમોની પૂછપરછ કરતા આરોપીઓએ પોતાની સાચી ઓળખાણ છુપાવવાના હેતુથી રામદેવ શર્મા અને રમેશ કુમાર ખોટા નામો ધારણ કરીને બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ અને ચુંટણી કાર્ડ બનાવી પોતાનો ફોટો રાખી બનાવટી દસ્તાવેજના આધારે શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલી મોબાઈલ ફોન અને સીમકાર્ડ તેમજ અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવી નાણા જમા કરાવતા અને બેંકમાં છેતરપીંડી કરેલ રકમ વિડ્રો કરી રકમ રૂબરૂ અને હવાલા મારફતે દિલ્હી ખાતે અનીતા વિજયકુમારને મોકલી આપતા હોવાની કબુલાત આપી હતી અને આ કામગીરી બંને આરોપીઓ ઓસાશ નામની નાઈઝીરીયન વ્યક્તિના કહેવા મુજબ કરતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે. જયારે અન્ય આરોપી અનીતા વિજયકુમાર અને ઓસાશ નામની નાઈઝીરીયન વ્યક્તિનું નામ ખુલતા બંને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપી પાસેથી બનાવટી દસ્તાવેજોનો ભંડાર ઝડપાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.