કાર્યવાહી:ટંકારામાં ખંડણી અને લૂંટના ઇરાદે વેપારીના હત્યા કેસમાં વધુ બે પકડાયા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ હિરાસતમાં રહેલા આરોપીઓ. - Divya Bhaskar
પોલીસ હિરાસતમાં રહેલા આરોપીઓ.
  • જેમાંથી ફાયરિંગ થયું એ હથિયાર કોનું છે અને ક્યાંથી આવ્યું એ તપાસનો વિષય

ટંકારાના પાન સોપારીના હોલસેલના વેપારી સવજીભાઈ કકાસણીયાની ગત ૬ એપ્રિલના રોજ અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી નાખ્યાની ઘટનામાં પોલીસે વધુ આરોપીની ધરપકડ કરી ફાયરિંગ કરનાર શખ્સને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. પોલીસે ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા હર્ષિત બેચરભાઈ ઢેઢી, પ્રિન્સ જીતેન્દ્રભાઈ અઘારા અને યોગેશ રવિન્દ્રભાઈ પાવરાને અલગ અલગ સ્થળેથી ઝડપી લીધા હતા અને આરોપી પાસેથી બાઈક તેમજ ત્રણ ફોન જપ્ત કર્યા હતા.પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે.

હર્ષિત રેફ્રિજરેટર રિપેરર તરીકે નોકરી કરતો
પોલીસે આ ઘટનામાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગત સામે આવી હતી જેમાં મુખ્ય આરોપી હર્ષિત મૃતક સવજીભાઈની દુકાનમાં અવાર નવાર વસ્તુ લેવા જતો હોવાથી તેને સવજીભાઈ અને તેના પરિવાર વિશે જાણકારી ધરાવતો હતો અને ભારત રેફ્રિજરેટરમાં નોકરી કરતો હોવાથી તેના માલિક અશોકભાઈ મુછાળા પાસેથી કેટલા રૂપિયા મળશે તે અંગે જાણકારી હતી. હર્ષિતે એવો જડબેસલાક પ્લાન બનાવ્યો હતો કે કોઇને પોતાના ફોન નંબરની ખબર ન પડે તે માટે અલગ અલગ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી અલગ અલગ નંબર પરથી ફોન કરતા તેઓ ફોન પર ખંડણી માગતા.

આખું કાવતરું જિમમાં ઘડાયું
સુત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે શહેરના ખમતીધર લોકો પાસેથી પૈસા પડાવવાનું કાવતરું ટંકારામાં જ બનેલા એક જીમમાં ઘડવામાં આવ્યું હતું. આ ટોળકી જીમની સભ્ય હતી અને ત્યાં જ ઘટનાઓને અંજામ આપવાની રૂપરેખા બનતી . હર્ષિત પહેલાં તો સવજીભાઇની દુકાને લૂંટના ઇરાદે ગયો હતો અને પૈસા હાથમાં ન આવતાં સાગરિત સાથે મળી ફાયરિંગ કરી સવજીભાઇને પતાવી દીધા હતા.

આ ટોળકીમાં રાજસ્થાનના વતની અને છેલ્લા 25થી વધુ વર્ષથી ટંકારામાં સ્થાયી થયેલા પાણીપુરીવાળા પરિવારનો એક યુવક પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. વધુ ચોંકાવનારી બાબત તો એ સામે આવી છે કે ટોળકી પાસે શહેરના 40 જેટલા ઉદ્યોગપતિઓ, વેપારીઓની યાદી હતી અને તેમની પાસેથી ખંડણી લેવાનું પ્લાનિંગ હતું.

અન્ય સમાચારો પણ છે...