માળિયા તાલુકામાં ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરતા બે શખ્સઓને એલસીબી ટીમે પકડી પાડ્યા અને રૂપિયા 39 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી એલ.સી.બી ટીમના ચંદુભાઇ કાણોતરા, ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે, જામનગર-માળીયા હાઇવે રોડ ઉપર આવેલા કવન જીન સામે રામદેવ હોટલની પાછળ આવેલા વંડામાં કેટલાક શખ્સોને ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરી રહ્યા છે. જેથી પોલીસે સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી હરદેવ ઉર્ફે લાલો પ્રભાતભાઈ બોરીયા અને વિનોદ મેવાલાલ પટેલ ચોરીના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા.
જ્યાં પોલીસે ટેન્કર રૂપિયા 15 લાખ, ટેન્કરમાં ભરેલા ડીઝલ આશરે 24 હજાર લીટર કિંમત રૂપિયા 23 લાખ 79 હજાર 936, ટેન્કરોમાંથી કાઢેલા નાના મોટા કેરબા નંગ-04 જેમાં આશરે 110 લીટર કિંમત રૂપિયા 10 હજાર 120, રોકડા રૂપીયા 2 હજાર અને રૂપિયા 10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 39 લાખ 02 હજાર 056નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની તપાસમાં આ ગુનામાં સંડોવાયેલા હકા બાબુભાઇ ચાવડાનું નામ પણ ખુલ્યું હતું. જેથી પોલીસ મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો અને આરોપી હકાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.