માળિયા તાલુકાના સરવડ ગામમાં એક જ રાત્રીના સાત મકાનના તાળા તૂટ્યા હતા અને સાત મકાનમાંથી રોકડ સહીત કુલ 1.65 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. જે ચોરીના ગુનામાં સંડોવાયેલ ટોળકીના બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ચોરી થયેલ સહીતનો મુદ્દામાલ રીકવર કર્યો છે.
ગત તા. 28 ડીસેમ્બરના રોજ સરવડ ગામના સાત જેટલા બંધ મકાનના તાળા તોડી ઘરમાં રાખેલ રોકડ રકમ, સોના ચાંદીના દાગીના સહીત 1.65 લાખની મત્તા ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદને પગલે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને બનાવ મામલે વધુ તપાસ એલસીબી ટીમે ચલાવી હતી. જેમાં અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ ધીરૂ કેશાભાઇ વાજેલીયા અને તેના સાગરીતે મળીને ગુનાને અંજામ આપ્યાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમે મોરબી માળિયા ફાટક પાસે વોચ ગોઠવી હતી. અને આરોપી ધીરૂ કેશાભાઇ વાજેલીયા (ઉ.વ.૫૨) રહે ચુંપણી તા. હળવદ અને સાજન વીરજી ચાડમીયા (ઉ.વ.૨૧) રહે લતીપર રોડ ધ્રોલ વાળાને ઝડપી લીધા છે.
ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી ધીરૂ વાજેલીયા અગાઉ સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબીમાં ઘરફોડ ચોરી અને દારૂના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે. આરોપીઓ રાત્રીના ગ્રામ્ય વિસ્તારમાં બંધ મકાનના તાળા તોડી ઘરમાંથી રોકડ અને દાગીના ચોરી કરતા હોવાની મોડસ ઓપરેન્ડીથી કામ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.