મોરબીની રાજકોટ નાગરિક સહકારી બેંક શાખામાં એક ગ્રાહકે ફિક્સ ડિપોઝીટની રકમ જમા કરાવી હતી. જે તે વખતે ગ્રાહકને કેશિયરે માત્ર ડિપોઝીટ સ્લીપમાં સિક્કા મારી દીધા હતા.પણ તે રકમ બેંકની તિજોરીમાં જમા કરાવવાને બદલે પોતે એ રકમ ઓળવી ગયા હતા, તેમજ કોમ્પ્યુટરમાં તેની કોઈ એન્ટ્રી કરવામાં આવી ન હતી. શરૂઆતમાં તો ખાતેદારને આ બાબતે કોઇ જાણ ન થઇ.
જ્યારે ગ્રાહકને કોઈ મેસેજ ન મળતા આ અંગે બેંકમાં તપાસ કરી હતી,ત્યારે તેના પગ નીચેની જમીન સરકી ગઈ હતી.કારણ કે બેન્ક કર્મચારીએ તેમના ખાતામાં ફિક્સ ડિપોઝીટ પેટે કોઈ રકમ જમા કરી જ ન હતી અને જ્યારે ગ્રાહક રૂપિયા પરત લેવા ગયો ત્યારે તેમના નામે કોઈ ડિપોઝીટ જ જમા ન થઈ હોવાનું જણાવતા તેને જમા કરાવતી વખતે આપેલા દસ્તાવેજ અને જમા કરાવેલ રકમની સ્લિપ બેન્ક અધિકારીઓને આપતા બેન્ક કર્મીએ ગેરરીતિ કરી હોવાની પ્રાથમિક રીતે સાબિતી મળતા બેન્કે તપાસ ચલાવી હતી જેમાં એક કોન્ટ્રકટ પર કામ કરતો અને એક કાયમી એમ 2 કર્મચારીઓની પ્રાથમિક સંડોવણી સામે આવતા બન્નેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. સુત્રોએ એમ પણ જણાવ્યું હતું કે અહીં ખાતેદારોના નાણાં સલામત છે, કોઇ પણ ગેરરીતિ થઇ હશે તેને છાવરાશે નહીં અને જવાબદારો સામે કાર્યવાહી થશે જ.
અલગ અલગ સમયના વ્યવહારના વાઉચર, કોમ્પ્યુટર એન્ટ્રી સહિતનાની લીગલ ટીમ અને ઓડિટ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. હાલ અત્યાર સુધીમાં કેટલી એન્ટ્રીની ચકાસણી થઈ છે અને કેટલા સમય બાદ આવી ગેરરીતિ સામે આવી, કેટલી રકમની ગેરરીતિ કરવામાં આવી છે તે અંગે હજુ કોઈ ચોક્કસ રકમ જાહેર કરવામાં આવી નથી. બેન્ક સૂત્રોના જણાવ્યા મુજબ હાલ એન્ટ્રીની ચકાસણી કરવામાં આવી રહી છે. તમામ એન્ટ્રીની ચકાસણી થયા બાદ જે ગેરરીતિ સામે આવશે અને તેમાં જે પણ લોકો સંડોવાયેલા હશે તેના વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
તમામ ગ્રાહકોના રૂપિયા સુરક્ષિત છે અને રહેશે
હાલ એક ગ્રાહકની ફિકસ ડિપોઝિટની રકમ જમા ન થવા અંગેની ફરિયાદ મળી હતી, જેથી આ અંગે તેમણે રજૂ કરેલા ડોક્યુમેન્ટ તેમજ બેંકના કોમ્પ્યુટરમાં અને વાઉચર એન્ટ્રીની તપાસ ચાલી રહી છે. હજુ છેતરપિંડી થઈ છે કે નહીં કેટલી રકમની થઈ તે કહેવું મુશ્કેલ છે પણ અમારા ખાતેદારોને અમે વિશ્વાસ અપાવીએ છીએ કે તેની તમામ રકમ સુરક્ષિત છે અને રહેશે. > અલ્પેશભાઈ મહેતા, રાજકોટ નાગરિક બેંકના મીડિયા કોઓર્ડિંનેટર
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.