અકસ્માત:બે ડમ્પરે બાઈકસવાર માતા પુત્રને ઠોકર મારી, માતાનું મોત

મોરબી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી-માળિયા હાઇવે પર સર્જાયો અકસ્માત
  • એક ડમ્પરે અડફેટે લીધા અને બીજાએ કચડી માર્યા

મોરબી માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામનાં પાટિયા નજીક મોટર સાયકલ ઉપર જઈ રહેલા માતા પુત્રને કાળરૂપી બે ડમ્પર ભટકાઇ ગયા હતા જેમાં એક ડમ્પર ચાલકે મોટર સાયકલને ઠોકર મારતાં માતા અને પુત્ર નીચે પટકાયા હતા અને હજુ તો કંઇ સમજે તે પહેલાં જ પાછળ આવી રહેલું બીજું ડમ્પર માતા ઉપર ફરી વળતા પુત્રની નજર સામે જ માતાએ દમ દોડી દીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક નાસી ગયા હતા. બનાવ બાદ ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

મોરબી માળીયા નેશનલ હાઇવે પર આવેલા લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ઓમપાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ વાઘેલા તેમના માતા અમીતાબેન સાથે મોટર સાયકલમાં જતા હતા ત્યારે મોરબી માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામનાં પાટિયાથી આગળ એક અજાણ્યા ડમ્પર ચાલકે તેમના મોટર સાયકલને ઠોકર મારતા માતા અને પુત્ર નીચે પડી ગયા હતા.

દરમિયાન અકસ્માત સર્જાયા બાદ પાછળ પુરપાટ ઝડપે આવતા બીજા એક અજાણ્યા ડમ્પર ચાલક પર પોતાની ગતિ પર કાબુ કરી શકયો ન હતો અને નીચે પટકાયેલા અમીતાબેનને હડફેટે લઈ માથું વ્હીલમાં કચડી નાખતા ગંભીર ઇજા પહોંચતા અમિતાબેનનું સ્થળ પર જ મોત નીપજયું હતું જ્યારે પ્રકાશભાઈને જમણા ખભાના ભાગે ફેકચર તેમજ ગરદન તેમજ જમણા પગના ગોઠણ પાસે ઇજા પહોંચાડી બન્ને ડમ્પર ચાલક નાસી ગયા હતા.આ અંગે મોરબી તાલુકા પોલીસે બન્ને અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે બેફામ ગતિએ દોડતા વાહન ચાલકોની ગતિને કાબુમાં કરવામાં હાઇવે પોલીસ અને ટ્રાફિક પોલીસ નબળી પુરવાર થઇ છે અને લોકોના ભોગ લેવાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...