મોરબીમાં રવિવારે ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં ફાઉન્ડેશનના ઉપક્રમે ગરીબ દર્દીઓ માટે નિશુલ્ક સારવાર અને સેવા તેમજ ફોલોઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં દર્દીઓએ ઉમટી પડીને રોગોનું નિદાન કરાવી, મેડિસિન મેળવી હતી. કેમ્પમાં શહેરના જાણીતા તબીબોએ સેવા આપી હતી.
મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રીજેશ મેરજાના સ્વર્ગવાસી પુત્ર ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા સર્વરોગ મેડીકલ કેમ્પને કબીર આશ્રમના મહંત શિવરામદાસ બાપુએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકયો હતો. આ તકે તેમણે ડૉ. પ્રશાંતના ગરીબ દર્દીઓ માટેના જીવન પર્યન્તના વિચારોને સાકાર કરવા તેમના પરિવાર દ્વારા ગરીબ દર્દીઓના રોગનું નિદાન, સારવાર, મફત દવાઓ અને દર્દીઓના ફોલોઅપની કામગીરી કરીને તેમના વિચારને અમર રાખવાનો યથોચિત પ્રયાસ થઈ રહ્યો છે.
જેનાં થકી સમાજના ગરીબ દર્દીઓને ભારે મોટી રાહત આવા મેડીકલ કેમ્પ મારફત મળી રહેતી હોય છે. આ મેડીકલ કેમ્પમાં ડૉ. ભાવિન ગામી, ડૉ. હિતેષ કણઝારિયા, ડૉ. સુકાલીન મેરજા, ડૉ. ભૂમિ ભાડેશિયા, ડૉ. ભાવેશ શેરશિયા, ડૉ. કૃપા મેરજા સહિતના ડોક્ટરોએ છ જેટલા વિવિધ રોગના દર્દીઓને તપાસી જરૂરી સારવાર આપી હતી. ડૉ. પ્રશાંત ફાઉન્ડેશનના નેજા હેઠળ યોજાયેલા આ મેડીકલ કેમ્પના દર્દીઓને વિનામૂલ્યે સારવાર ઉપરાંત ફ્રી મેડિસીનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા, નગરપાલિકા પ્રમુખ કે.કે.પરમાર, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, શહેર અગ્રણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રદીપભાઇ વાળા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.