બે વર્ષના વિરામ બાદ લોક મેળો:વાકાંનેર જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત મેળો શરૂ, કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીએ લોક મેળાને ખુલ્લો મુક્યો

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામ રાવળના વંશજો આજે પણ આ મંદિર તેમજ વિસ્તારના વિકાસમાં સહભાગી થતા રહે છે

કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પેટલ તેમજ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ ખાતે પરંપરાગત લોક મેળાને ખુલ્લો મુક્યો હતો. આ તકે કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત મેળો ખુલ્લો મુકતા ધન્યતા અનુભવું છું. કોરોના કાળ પછી બે વર્ષના વિરામ બાદ ફરી સૌરાષ્ટ્રમાં લોક મેળા યોજાઇ રહ્યાં છે.

ચામોસુ સારું જાય તેવી મહાદેવને પ્રાર્થના કરી
જડેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસની વાત કરી તેમણે જણાવ્યું હતું કે, જામ રાવળના વંશજો આજે પણ આ મંદિર તેમજ વિસ્તારના વિકાસમાં સહભાગી થતા રહે છે. સંસ્કૃતિ અને ધર્મને ટકાવી રાખવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરેલા કામથી વિવિધ ધાર્મિક ક્ષેત્રોની કાયાપલટ થઈ છે તથા રાષ્ટ્રધર્મ અને સંસ્કૃતિના સંવર્ધન માટે નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ શ્રેષ્ઠ કામગીરી કરી છે. ઉપરાંત હર ઘર તિરંગા હેઠળ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તમામ લોકોને તિરંગો લહેરાવી આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી. તેમજ સમગ્ર ચામોસુ સારું જાય તેવી મહાદેવને પ્રાર્થના પણ કરી હતી.

મેળામાં રાઈડ્સ બાબતે સાવચેતી રાખવા અપીલ કરી
આ તકે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, આપણી પરંપરાગત સંસ્કૃતિના પ્રતિબિંબ સમો આ લોક મેળો ઘણા વર્ષોથી યોજાઇ રહ્યો છે. આ તકે મંત્રીશ્રીએ લોક મેળામાં તમામ રાઈડ્સ બાબતે સાવચેતી રાખવા અપીલ કરી હતી. તેમજ આ લોકમેળો કોઈ પણ વિઘ્ન વિના સફળ બને તે માટે મહાદેવને પ્રાથના કરી હતી.

લમ્પી વાયરસમાંથી ગૌધનને ઉગારવા પ્રાથના કરી
આ પ્રસંગે પવિત્ર શ્રાવણ માસમાં જડેશ્વર મહાદેવના ચરણોમાં શીશ નમાવી મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ બ્રિજેશભાઈ મેરજાએ ગાય માતા પર આવેલા વિઘ્ન એવા લમ્પી વાયરસમાંથી ગૌધનને ઉગારવા અને આ રોગ નાબૂદ કરવા માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કોઠારીયા પ્રાથમિક શાળાની બાળાઓએ શિવ તાંડવ નૃત્ય તેમજ દેશભક્તિ નાટક રજૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...