તાઉતે વાવાઝોડાની અસર:નળિયા ઉદ્યોગને તાઉતે વાવાઝોડું ફળ્યું, 15 ટ્રક રવાના, હજુ 90,000 નળિયા મોકલવાનો ટાર્ગેટ

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીથી 15 ટ્રકમા લાખોની સંખ્યામાં નળિયા અમરેલી અને ગીરસોમનાથ જિલ્લામાં મોકલાયા. - Divya Bhaskar
મોરબીથી 15 ટ્રકમા લાખોની સંખ્યામાં નળિયા અમરેલી અને ગીરસોમનાથ જિલ્લામાં મોકલાયા.
  • સિરામિક સિટીએ નળિયાનું ઉત્પાદન વધારી દીધું, ચોમાસું આવે તે પહેલાં ઓર્ડર પૂરા કરવા કામગીરીનો ધમધમાટ

તાઉતે વાવાઝોડાની અસર રાજ્યના અમરેલી, ગીરસોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. આ જિલ્લાઓમાં કાચા, ઝુપડા બાંધીને કે નળિયાવાળા ઘરોમાં રહેતા પરિવારોને ઘણુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઇ સિરામિક સીટી તરીકે જાણીતા મોરબી જિલ્લામાં નળીયાનું ઉત્પાદન વધારી દેવાયું છે. વાવાઝોડા પહેલા મોરબીના નળીયા ઉદ્યોગકારોને જોઇએ તેટલા નળીયાના નવા ઓર્ડર નહોતા મળતાં પરંતુ વાવાઝોડા બાદ નળિયા વાળા મકાનોને વધુ નુકસાન થયું હોવાથી મોરબીના નળિયા ઉદ્યોગકારોને ફરીથી ધંધામાં તેજી દેખાઇ રહી છે.

જોકે આપત્તિને અવસરમાં પલટાવવાની સાથે મોરબીના નળીયા ઉદ્યોગકારોએ માનવતા દાખવીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહતદરે અને પૂરતા પ્રમાણમાં નળીયાઓ મોકલવા માટેની તૈયારી દર્શાવી છે. આ અંગે મોરબી જિલ્લાના અધિક કલેક્ટર કેતન પી. જોષીના અધ્યક્ષસ્થાને નળીયા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે બેઠક કરી અતિ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વાજબી ભાવથી નળિયા પૂરા પાડવા, જરૂરિયાત મુજબનું દૈનિક ઉત્પાદન કરવા તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓને રાહત દરે નળીયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મોરબી હર હંમેશા લોકોની સેવા માટે આગળ રહે છે ત્યારે ફરી એક વખત મોરબીનો નળીયા ઉદ્યોગ ગરીબોના ઘર બનાવવા આગળ આવ્યો છે.મોરબીમાંથી જિલ્લા પુરવઠા અધિકારીના લાયઝનીંગ હેઠળ અત્યાર સુધીમાં ૧૫ જેટલા મોટા ટ્રક અસરગ્રસ્ત જિલ્લાઓના વિસ્તારોમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું અધિક કલેક્ટર કેતન પી. જોષીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું કે, નળિયા ત્વરીત અને વ્યાજબીભાવે મળી રહે ઉપરાંત હાલના સમયમાં કાળા બજાર અને સંગ્રહખોરી ન થાય તે માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાંથી જ નળિયા માટેનો કાચો માલ સામગ્રી મળી રહે છે અને તે પુરતા જથ્થામાં ઉપલબ્ધ છે. હવે સવાલ માત્ર સમયનો છે. ચોમાસુ આવે તે પહેલાં પહોંચી વળાય તે માટે ઉત્પાદનને વધારી દેવાયુ છે.

ચોમાસા પહેલા નળિયા આપવા ઉત્પાદન વધાર્યું
વાવાઝોડા બાદ નળિયાનું પ્રોડક્શન વધારી દેવાયું છે. અમે કોઇ વેપારી કે ટ્રેડર્સને વેચાણ કરવાના બદલે જરૂરતમંદ લોકોને વ્યાજબી અને ઓછા ભાવે સહાયરૂપે નળિયા આપીએ છીએ.ચોમાસાને પગલે આ ઉદ્યોગ શટડાઉન થાય તે પહેલાં ઉત્પાદન વધારી દેવાયું છે.તેમ જણાવ્યું હતું.- ચંદુભાઇ પટેલ, નળિયા ઉદ્યોગકાર, મોરબી

અન્ય સમાચારો પણ છે...