બજેટ:ટૂરિઝમ બિઝનેસની ઉંચી ઉડાન, ફરવા માટે બજેટ વધાર્યા કાશ્મીર અને હિમાચલનો ક્રેઝ વધ્યો, ટ્રેન 28 મે સુધી ફુલ

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યક્તિદીઠ પેકેજ ચારથી 5 હજાર વધ્યું, ઓવરઓલ બજેટમાં 10 થી 15 ટકાનો વધારો કરી ફરવા તત્પર

શાળા કોલેજમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ જતા લોકો હરવા ફરવાનું આયોજન કરવા લાગ્યા છે તો ઘણા પરિવાર તો ફરવા પણ નીકળી પડ્યા છે.મોરબીથી આ વર્ષે હિમાચલ પ્રદેશમાં ચારધામ યાત્રા ત જવાનો ક્રેઝ વધ્યો છે. આ સિવાય નવ પરણી ત યુગલોમાં કાશ્મીર, કુલું મનાલી, શિમલા, ડેલહાઉસી અસમ સહિતના ઠંડા પ્રદેશમાં ફરવા જવાનો ક્રેઝ વધ્યો છે.

જેના કારણે ગુજરાતથી ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેન 28 -29મે સુધી હાઉસફુલ થઈ ચૂકી છે. આ જ રીતે સામાન્ય કે મધ્યમ વર્ગના ઓછા બજેટમાં ફરવાનું પ્લાનિંગ કરતા પરિવાર સાસણગીર,સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ વળ્યા છે. ટુર ઓપરેટરોના મતે મોરબીમાં બહાર રાજ્યમાં ખાસ કરીને કાશ્મીર, હિમાચલ તરફ ભાડું ગત વખત કરતા 10થી 15 ટકા વધ્યું છે તેમ છતાં લોકો ત્યાં જઇ રહ્યા છે એટલે કે હાલ બહાર જવા માગતા લોકોએ પોતાનું બજેટ વધારી દીધું છે.લોકો હાલ અગાઉ સિઝન કરતા વધુ સંખ્યામાં ફરવા જઈ રહ્યા છે.

અહીંથી ફેમિલી સાથે ફરવા જતા લોકો હિમાચલ પ્રદેશમાં ચાર ધામની યાત્રા કરી રહ્યા છે તો નવ પરિણીત યુગલો કાશ્મીર, કુલુમનાલી કે સિમલા તરફ જઈ રહ્યા છે. ટુર ઓપરેટરોના જણાવ્યા મુજબ ફલાઇટનું ભાડું હાલ સાંમાન્ય સિઝન કરતા બમણું થઈ ગયું છે.સામાન્ય દિવસોમાં અમદાવાદ થી દિલ્હી 12,000 જેટલું રિટર્ન જેના કારણે લોકો ટ્રેન તરફ વળ્યા છે.જેના કારણે મે મહિના સુધી ચાર ધામ યાત્રા તેમજ કાશ્મીર તરફ જતી ટ્રેન ફૂલ છે.વિદેશ પ્રવાસની વાત કરીએ તો નેપાળ અને ભૂતાન બે દેશ જ હાલ ફરવા જઇ શકાય છે કારણ કે બીજા દેશમાં હજુ પ્રતિબંધ છે, તો સામે ફ્લાઈટના રેટ ખૂબ વધી ગયા છે.

ટૂર ઓપરેટરે જણાવ્યું હતું કે કોરોનાના લીધે અમરનાથ યાત્રા રદ કરી દેવાઇ હતી, જેના કારણે લોકો કાશ્મીરમાં પણ જઇ શકતા ન હતા છેલ્લા ત્રણ વર્ષથી કાશ્મીરનો ટુરીઝમ ઠપ્પ હતો. હવે સિઝન ખુલી છે તો લોકો પણ ખર્ચો વધવા છતાં કાશ્મીર તરફ જવા તલપાપડ બન્યા છે.અને અગાઉ બે વર્ષ કરતા ચાલુ વર્ષે વ્યક્તિદીઠ પેકેજમાં 4થી 5 હજારનો વધારો આવ્યો છે. આ ઉપરાંત લોકલ લેવલ પણ ખર્ચ વધ્યો છે તેમ છતાં લોકોમાં ફરવા અંગે ક્રેઝ ઘટ્યો નથી અમારે બુકીંગ માટે જેટલો સમય લાગતો હતો તેની સરખામણી અડધા સમયના પેકેજ બુક થઈ રહ્યા છે. અને પ્રવાસીની સંખ્યા દોઢ ગણી વધી ગઈ છે.

નજીકના સ્થળનો ક્રેઝ યથાવત્
લોકો આઉટ ઓફ ગુજરાત જ ફરવા જઇ રહ્યા છે તેવું નથી, પણ ઓછું બજેટ ધરાવતા મધ્યમવર્ગીય પરિવાર હાલ ગુજરાતમાં જૂનાગઢ સાસણ ગીર,સોમનાથ, દિવ,તરફ જઈ રહ્યા છે તો ઘણા પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી, માઉન્ટ આબુ તરફ પણ જઈ રહ્યા છે.આ વર્ષે પ્રવાસીઓનો ધસારો વધતા ટુર ઓપરેટરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.અને આ વર્ષે ટુર બિઝનસ નીકળતા છેલ્લા બે વર્ષથી થઈ રહેલા નુકશાનમાંથી બહાર નીકળવાની આશા સેવાઈ રહી છે.

ટૂરિઝમ બિઝનેસમાં નુકસાની ભરપાઇ કરવાનો સમય હવે આવ્યો
મહામારીના કારણે 2 વર્ષથી ટુરિઝમ બિઝનસ સાવ ઠપ્પ હતો. જોકે આ વર્ષે ઉનાળુ વેકેશનની સિઝન ખુલી છે અને લોકો ફરવા નીકળ્યા છે. જેથી આ વર્ષે અમને સારી આવક થવાની આશા છે અને 2 વર્ષથી થઈ રહેલ નુકશાનથી રાહત મળશે તેમ બારસન્સ ટુર એન્ડ ટ્રાવેલ્સના પીયૂષભાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...