મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો:એક જ દિવસમાં બે ફરિયાદ નોંધાઈ; પઠાણી ઉધરાણી કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુવકે લોનના હપ્તા ભરવા ઊંચા વ્યાજે રૂપિયા લીધા...
મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે. જેની બે ફરિયાદ નોંધાવા પામી છે. યુવકે વ્યાજે રૂપિયા લીધા બાદ વ્યાજખોરે સતત તેને પરેશાન કર્યો હતો. આ ઉપરાંત ઊંચા વ્યાજે લીધેલી મૂળ રકમ સહિત યુવકે પૈસા પણ ચૂકવી દીધા છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરીને યુવકને ધમકી આપી હતી. જેની પોલીસ ખાતે ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના કન્યા છાત્રાલય રોડ પર શ્રી કુંજ સોસાયટીમાં રહેતા રૂપેશ હરજીભાઈ રાણીપાએ આરોપી વિશાલ બચુ ગોગરા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ ટાઇલ્સ ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. કોરોના કાળમાં બે વર્ષ પહેલાં તેમણે લોન ઉપર ઘર ખરીદ્યું હતું. કોરોનાના કારણે ધંધો બરાબર ચાલતો ન હોય જેથી હોમ લોનના હપ્તા ભરવા માટે તેમણે આરોપી વિશાલ પાસેથી રૂપિયા 50 હજાર 30% વ્યાજે લીધા હતા. જે બાદ 2021ના વર્ષમાં પણ રૂપેશે આરોપી વિશાલ પાસેથી રૂપિયા 1 લાખ 30%ના વ્યાજ લેખે લીધા હતા. અને સિક્યુરિટી પેટે એક કોરો ચેક પણ દીધો હતો. એ બાદ તેઓ વ્યાજ ચૂકવવા અસક્ષમ હોય તેથી તેમણે આરોપી વિશાલને વ્યાજ આપવાનું બંધ કરી દીધું હતું.

જે બાદ દિવાળી પહેલા આરોપી વિશાલે રૂપેશ પાસે જઈને કહ્યું હતું કે, મેં તને વ્યાજે પૈસા આપેલા છે તે મૂડી તથા વ્યાજના મળી કુલ ત્રણ લાખ તારે મને આપવાના છે. તેમ વાત કરતા રૂપેશે તેના પિતાની ખેતીની આવકમાંથી આવેલા રૂપિયા બે લાખ આરોપી વિશાલને આપી દીધા હતા અને પોતાનો કોરો ચેક પાછો લીધો હતો. તો પણ આરોપી ધમકી આપતો હતો અને વિશાલ મુડી તથા વ્યાજના રૂપિયા એક લાખ આપવા પડશે તેમ કહેતો હતો. એ વખતે પણ રૂપેશ કહેતો હતો કે મેં તમારી પાસેથી આજ દિન સુધીમાં કુલ રૂપિયા દોઢ લાખ રૂપિયા લીધેલા છે અને તેનું રૂપિયા ૩,૬૦,૦૦૦ વ્યાજના આપેલા છે અને મૂડી પેટેના રૂપિયા 1,50,000 આપેલા છે. મારી પાસે હવે કોઈ રૂપિયાની સગવડ નથી.

આ વાત સાંભળીને આરોપી વિશાલ ઉશ્કેરાઈ ગયો હતો અને રૂપેશને અપશબ્દ કહ્યા હતા, જો તું બાકીના રૂપિયા એક લાખ નહીં આપે તો હું તને જોઈ લઈશ. ત્યારે પ્રત્યુતર સ્વરૂપે રૂપેશે એવું જણાવ્યું હતું કે, તમે હવે પછી મારી પાસે પૈસાની ઉઘરાણી કરશો તો હું પોલીસમાં તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ. આ સાંભળીને આરોપી વિશાલ ગીન્નાઈ ગયો હતો અને તેને કહ્યું હતું કે, હવે તો તારે મને રૂપિયા ચાર લાખ આપવા પડશે નહીંતર હું તારા હાથ પગ ભાંગી નાખીશ તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

ત્રણ વ્યાજખોરોએ યુવક પાસે પઠાણી ઉધરાણી કરી...
બનાવની મળતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર રુદ્ર પ્રયાગમાં રહેતા મિલન આગોલાએ આરોપી પ્રવીણ, દેવશી તથા સુરેશ વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આજથી 6 માસ પહેલા વ્યવસાયમાં રૂપિયાની જરૂર પડતા મિલને આરોપી પ્રવીણ પાસેથી રૂપિયા 6 લાખ વ્યાજે લીધા હતા. જેમાં આરોપી પ્રવીણે તેને કહ્યું હતું કે, તારે રોજના એક લાખના રૂપિયા 700 લેખે કુલ 6 લાખના 4200 રૂપિયા રોજનું વ્યાજ આપવું પડશે. એ સ્વીકારીને મિલને પૈસા વ્યાજે લીધા હતા અને આરોપી પ્રવીણને બેંકના સહીવાળા બે કોરા ચેક આપ્યા હતા. અત્યાર સુધીમાં આરોપી પ્રવીણને મિલને ૫.૫ લાખ ચૂકવી દીધા છે. છતાં આરોપી પ્રવીણ વધુ 8 લાખની ઉઘરાણી કરતો હતો.

જે બાદ ધંધા માટે વધુ રૂપિયાની જરૂર પડતા મિલને આરોપી દેવશી પાસેથી 5 મહિના પહેલા રૂપિયા 2 લાખ વ્યાજે લીધા હતા. આરોપી દેવશીને પણ તેણે સહીવાળા બેંકના બે કોરા ચેક આપ્યા હતા અને 10% લેખે તેઓ દર મહિને રૂપિયા 20,000નું વ્યાજ ચૂકવતો હતો. આરોપી દેવશીને આજ સુધીમાં રૂપિયા 1,20,000 મિલને ચૂકવી દીધા છે તેવું તેણે જણાવ્યું હતું.

વધુમાં પોલીસ ફરિયાદમાં તેણે કહ્યું હતું કે, ધંધા માટે વધુ રૂપિયાની જરૂર પડતા તેણે આરોપી સુરેશ પાસેથી 5 મહિના પહેલા રૂપિયા ૩ લાખ વ્યાજે લીધા હતા અને તેને એક લાખનો એક દિવસના રૂપિયા 750 મળી ૩ લાખના રૂપિયા 2250નું વ્યાજ ચૂકવતો હતો. તેને પણ બેંકના બે સહીવાળા કોરા ચેક આપ્યા હતા અને આજ સુધીમાં આરોપી સુરેશને રૂપિયા 2.4 લાખ મિલને ચૂકવી દીધા છે. તેમ છતાં આરોપી સુરેશ વધુ 3 લાખની ઉઘરાણી કરતો હતો.

આ ત્રણેય વ્યાજખોરો અવારનવાર તેના ઘરે આવતા હતા અને તેના ધર્મ પત્નીને અપશબ્દો બોલતા. તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા મિલને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...