મોરબીના આમરણ, બાદલપર ગામે રહેતા યુવાનના પિતા પર વજેપરમાં રહેતા 3 શખ્સએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ અંગે યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ કૌટુંબિક સગાની પુત્રીના બાળલગ્ન અટકાવ્યાની શંકા રાખી આરોપીઓએ તેના પર રાજપર ગામ નજીક છરી ઝીંકી દઈ જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી.
મોરબીના આમરણ બાદલપર ગામે રહેતા મગનભાઇ કલ્યાણજીભાઇ સાવરીયાના મામા બાબુભાઇની દિકરીના લગ્ન નાની ઉંમરના કારણે રોકાઇ ગયા હોય અને આ લગ્ન મગનભાઇના પિતા કલ્યાણજીભાઈએ રોકાવ્યા હોવાની શંકા રાખી વજેપર મોરબીમાં રહેતા વિનોદભાઇ શિવાભાઇ સાવરીયા, સુરેશભાઇ શીવાભાઇ સાવરીયા અને જયદિપ કાળુભાઇ સાવરીયાએ રાજપર ગામમાં મગનભાઈ પર હીચકારો હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં મગનભાઇને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ત્રણેય આરોપીઓએ માર મારી, છરી વડે પગમાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હોવાની મગનભાઈ સાંવરિયાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ઉછીના નાણાનું વ્યાજ ચૂકવવા છતાં ધમકી
મોરબીના રવાપર ઘુનડા રોડ વિસ્તારમાં આવેલી રવાપર રેસીડન્સીમાં રહેતા યુવાન વિશાલ નરેન્દ્રભાઈ ગાંધીએ નીરવ અશોકભાઈ ગંદા અને અશોક ગંદા પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા હતા. વિશાલે સમયસર ઉચું વ્યાજ ચુકવ્યું હોવા છતાં આરોપીઓએ વિશાલ પાસેથી પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી રૂપિયા કઢાવી લીધા હતા અને યુવકને બન્ને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના આધારે પોલીસે નીરવ ને અશોકભાઈ ગંદા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.