પોલીસ તપાસ:ટંકારામાં ખંડણી પ્રકરણનાં ત્રણ આરોપીના સોમવાર સુધી રિમાન્ડ, હત્યામાં વપરાયેલું હથિયાર ક્યાં છુપાવ્યું તેની કડી પોલીસને મળતી નથી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટંકારામાં વેપારી સવજીભાઈ કકાસણીયાની દેશી તમંચાથી ફાયરિંગ કરી હત્યા નીપજાવી, તેના જ પરિજનો પાસે 10 લાખની ખંડણી માંગવા, અન્ય એક વેપારી અશોકભાઈ મુછાળા પાસે તેના પુત્રને મારી નાંખવાની ધમકી આપી 5 લાખની ખંડણીની ઘટનામાં પોલીસે ગુરુવારે હર્ષિત બેચરભાઈ ઢેઢી, યોગેશ રવિન્દ્રભાઇ પાવરા મુળ મહારાષ્ટ્રના શખ્સ તેમજ પ્રિન્સ જીતેન્દ્ર અઘારાને ઝડપી લીધા હતા અને ટંકારા કોર્ટમાં રજૂ કર્યા હતા.

આ ઘટનામાં અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે ? કોની કોની પાસે ખંડણી માગી છે ? હથિયાર ક્યાંથી મેળવ્યું વગેરે બાબતોની તપાસ કરવા આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે માગણી કરી હતી. જે બાદ કોર્ટે ત્રણેયને સોમવાર સુધીના રિમાન્ડ પર મોકલી આપવા આદેશ કર્યો હતો. ખંડણીમાં પોલીસે અન્ય આરોપીની પણ શોધખોળ હાથ ધરી છે તેમજ આરોપીઓ કેટલાક સમયથી પ્લાનિંગ કરી રહ્યા હતા. તેમણે જે મોબાઈલ નંબર પરથી આરોપીઓએ ફોન કર્યા તે સિમ કાર્ડ ક્યાંથી ખરીદેલા? કઇ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતાં? તેની માહિતી કોની પાસેથી મેળવી હતી? વગેરે બાબતોની તપાસ કરી રહી છે.

આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ સવજીભાઇના હત્યા પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદ આધારે તેને લગતા પુરાવા મેળવવા અને તે અંગેની તપાસ માટેના વધુ રિમાન્ડ મેળવવા કોર્ટમાં અપીલ કરવામાં આવશે. હાલ આ પ્રકરણમાં માત્ર ત્રણ આરોપીઓની અટકાયત થઈ છે. જો કે આગામી દિવસોમાં આ પ્રકરણમાં વધુ આરોપીઓ સામે આવે તેવી સંભાવના પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત હથિયારની પણ શોધ કરવામાં આવી રહી છે. હત્યા કર્યા બાદ હથિયાર ક્યાં છુપાવ્યું છે કોની પાસેથી મેળવ્યું હતું વગેરે બાબતોની પણ પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...