મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. મોરબી જિલ્લાની ત્રણ બેઠકો મળી કુલ 8.17 લાખ મતદારો મત આપવાના છે ત્યારે આ મતદારો આગામી 5 વર્ષ માટે પોતાના ધારાસભ્ય પદના ઉમેદવારને ચૂંટી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઘડવામાં આવેલા કાર્યક્રમ મુજબ કુલ 15 ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરવા મુદત આપવામાં આવી હતી.
આ મુદત દરમિયાન કુલ 80 ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પૈકી ચકાસણી દરમિયાન ડમી ઉમેદવાર તેમજ ભૂલ ભરેલા ફોર્મ મળી કુલ 30 ફોર્મ રદ થતા અંતે 50 ફોર્મ બાકી રહ્યા હતા. ગુરવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ત્રણેય બેઠક પર કુલ 15 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા. બેઠક મુજબ જોઈએ તો મોરબી માળિયા બેઠકમાં 9 ફોર્મ પરત ખેચાયા હતા તો વાંકાનેર બેઠક માંથી 4 અને ટંકારામાં 2 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લાની ત્રણેય બેઠક માટે હવે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. મોરબી-માળિયા બેઠક માટે હવે 17 દાવેદારો મેદાનમાં રહ્યા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ બસપા અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સીધો જંગ છેડાશે તો આ જ રીતે વાંકાનેર બેઠકની વાત કરીએ તો અહી 8 અપક્ષ ઉમેદવાર ભાજપા કોંગ્રેસ બસપા આપ સહીત કુલ 13 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે ટંકારા બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં ભાજપ કોંગ્રેસ બસપા તેમજ આપ અને એક સ્થાનિક પક્ષ મળી કુલ 5 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.
રાજકોટ જિલ્લાની 4 બેઠક કબજે કરવા 25 ‘સેવક’
ફોર્મ પરત લેવાની અંતિમ મુદ્દત ગુરુવારે પૂર્ણ થઇ છે. ત્યારે ચારેય બેઠક પર કેટલા ઉમેદવારો રહ્યા તે ચિત્ર સ્પષ્ટ બન્યું છે. ચાર બેઠક જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજીમાં અમુક ફોર્મ અમાન્ય રહ્યા અને રદ થયા બાદ કુલ મળીને 25 ઉમેદવારો ચૂંટણી જંગ લડશે તેવું સામે આવ્યું છે.
ગોંડલ - બેઠકમાં પાંચ ઉમેદવારોએ દાવેદારી કરી હતી અને એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતાં હવે ચાર ઉમેદવાર વચ્ચે જંગ ખેલાશે જેમાં એક ભાજપ, એક કોંગ્રેસ, એક આમ આદમી અને એક અપક્ષનો સમાવેશ થાય છે.
જસદણ - બેઠક માટે આઠ ફોર્મ રજૂ થયા હતા અને છેલ્લી ઘડીએ અપક્ષ બે ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતાં હવે 6 દાવેદારો જનસેવક બનવા ચૂંટણી લડશે.આ બેઠક માટે કુલ 261 મતદાન મથક પર 2.56 લાખ મતદારો નોંધાયા છે.
ધોરાજી - બેઠક માટે પણ નવ સભ્યોએ દાવેદારી કરી હતી અને અંતિમ તારીખે અપક્ષ ઉમેદવારનું એક અને ડમી ફોર્મ પરત ખેંચાતા હવે 7 સભ્ય ચૂંટણી લડશે અને જનાદેશ મેળવશે.
જેતપુર - બેટક માટે પણ 9 સભ્યોએ દાવેદારી રજૂ કરી હતી અને અંતિમ મુદતે એક ફોર્મ પરત ખેંચી લેવાતાં આઠ મુરતિયા વચ્ચે પહેલીએ જંગ જામશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.