આજના ભાગદોડ ભર્યા જીવનમાં ઘર કંકાસના અનેક કિસ્સા સામે આવતા હોય છે. ઝઘડાઓના પગલે પતિ અથવા તો પત્ની જીવન ટૂંકાવી લે છે. આવો જ કિસ્સો મોરબીમાં બન્યો છે. છૂટાછેડા બાદ પૂર્વ પતિ સાથે પુત્ર બાબતે બોલાચાલી થતા મહિલાને લાગી આવ્યું હતું અને જીવન ટૂંકાવી લેવાનું નક્કી કર્યું હતું. જોકે પોલીસની ટીમે મહિલાને આપઘાત કરતા અટકાવી હતી અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું.
પુત્રને મળવા બાબતે પૂર્વ પતિ સાથે ઉગ્ર બોલાચાલી થઈ
મોરબીમાં એક મહિલા ટ્રેનના પાટા પર આપઘાત કરવાના ઈરાદે પહોંચી ગઈ હતી ત્યારે મહિલા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. PI લખધીરકા અને SHE ટીમને ધ્યાને આવતા તુરંત મહિલાને આપઘાત કરતા રોકી લેવામાં આવી હતી. મહિલાને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી જ્યાં મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસને જાણવા મળ્યું હતું કે આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાના છૂટાછેડા થઇ ગયા હતા અને પુત્રને મળવા બાબતે પૂર્વ પતિ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી મહિલાએ આપઘાત કરવાનો નિર્ધાર કર્યો હતો.
'SHE' ટીમે મહિલાને નવજીવન બક્ષ્યું
આપઘાત કરવાના ઈરાદે મહિલા ટ્રેનના પાટા પર પહોંચી હોવાનું પોલીસને જણાવ્યું હતું. જો કે પોલીસે તેને જીવનનું મહત્વ સમજાવ્યું હતું. મહિલાને પણ પોતાની ભૂલ સમજાઈ હતી અને હવે જીવનમાં મુશ્કેલી આવશે તો પણ આપઘાતનો વિચાર નહી કરે તેવી ખાતરી આપી હતી. આમ મહિલા પોલીસ અને 'SHE' ટીમે મહિલાને નવજીવન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.