મોરબી શહેરના મુખ્ય માંર્ગોથી લઈ શેરી ગલીઓમાં તેમજ નેશનલ હાઇવે પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા રહે છે તંત્ર ભલે રખડતા પશુઓ પકડવામાં આવતા હોવાનો દાવો કરતું હોય પણ સાચી પરિસ્થિતિ તો એ છે કે રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે, પાંજરાપોળ કે ખાસ બનાવાયેલી ગાૈશાળામાં ગણ્યાંગાંઠ્યા જ પશુઓનો નિભાવ થઇ રહ્યો છે. જિલ્લાવાસીઓને તંત્ર હજુ રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્ત નથી થયા ત્યાં હવે રખડતા શ્વાનોએ હાહાકાર મચાવી દીધો છે. ખાસ કરીને મોરબી જિલ્લામાં છેલ્લા અઢી મહિનામાં 2264 લોકોને બચકાં ભરી લેતા ભારે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.
ખાટલે મોટી ખોડ તો એ છે કે જિલ્લામાં ક્યાંય પણ શ્વાન પકડવાની કામગીરી થતી જ નથી, એક પણ નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં આ કામ થતું જ નથી. આથી રખડતા શ્વાનોની બેરહેમી લોકોએ સહેવી પડી રહી છે.
મોરબી શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ લોકોને કૂતરા કરડવાના બનાવ સામે આવ્યા છે. રખડતા કૂતરાના કરડવાથી ઇજા પહોંચેલી લોકોને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. અઢી મહિનામાં કેટલાં લોકોને કૂતરાએ બચકા ભર્યાં તે અંગે સ્થિતિ જોઈએ તો સૌથી વધુ જુલાઈ મહિનામાં 1120 લોકોને બચકા ભર્યા હતા તો ઓગસ્ટ મહીનામાં 708 લોકો આ રખડતા કૂતરાની હડફેટમાં આવી ગયા હતા અને સપ્ટેમ્બરમાં 436 લોકોને શ્વાનોએ બટકાં ભરી લઇ હોસ્પિટલ દોડાવ્યા હતા.
મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા કૂતરા કરડવાના બનાવને અટકાવવા રખડતા કૂતરાઓને પકડી જવા તેમજ રસ્તે રખડતા કૂતરાની વધતી વસ્તી અટકાવવા વહેલી તકે ખસીકરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
મોરબી સિવાય 4 તાલુકાની સિવિલમાં હડકવાની રસીનો સ્ટોક જ નથી
મોરબીમાં કૂતરા કરડવાના બનાવ વધ્યા છે જેના કારણે વિવિધ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.હાલ મોરબી જિલ્લામાં માત્ર મોરબી સિવિલમાં જ હડકવાની રસીનો ડોઝ આપવામાં આવે છે અને તે પણ ખૂબ મર્યાદિત જથ્થામાં આવતા હોવાથી લોકોને ડોઝ મળી શકતો નથી. તો બીજી તરફ મોરબી શહેર સિવાય પણ અલગ અલગ તાલુકામાં સિવિલ હોસ્પિટલ આવેલી હોવા છતાં માત્ર મોરબી સિવિલમાં જ હડકવા રસીનો ડોઝ મળતો હોવાથી લોકોને મોરબી સુધી આવવું પડી રહ્યું છે. આ ઉપરાંત સ્ટોક પણ લિમિટેડ જથ્થામાં હોવાથી જ્યારે રસી ન હોય તો ખાનગી હોસ્પિટલમાં જવું પડે અથવા રાજકોટ સુધી લંબાવવું પડે છે. પરિણામે વહેલી તકે જિલ્લાની અન્ય સિવિલમાં હડકવાની રસીનો ડોઝ ફાળવવામાં આવે તે જરૂરી છે.
સાપ કરડવાની ઘટનામાં ઘટાડો
જુલાઈ ઓગસ્ટમાં વરસાદ રહેતો હોવાથી સાપ, વીંછી સહિતના સરીસૃપ દરમાંથી બહાર નીકળે છે પરિણામે કોઈ માણસની ઝપટે ચઢે તો તેમને ડંખ મારતા હોય છે. જિલ્લામાં ચાલુ વર્ષે આવા કેસમાં ઘટાડો આવ્યો છે. જુલાઈ ઓગસ્ટ 2021 દરમિયાન 22 લોકોને સાપે ડંખ માર્યો જ્યારે આ વર્ષે જુલાઈ ઓગસ્ટમાં 3 કેસ સામે આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.