સાંસદના પરિવારના 12ના મોત:મોરબી દુર્ઘટનામાં બહેનના કુટુંબના 12 સભ્યો કાળનો કોળિયો બનતાં મોહન કુંડારિયા ભારે આઘાતમાં

મોરબી3 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે

મોરબીમાં આજે રવિવારે પરિવાર સાથે ફરવા નીકળેલા લોકો સાથે કરૂણાંતિકા સર્જાઈ છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા છે. પુલ પર આશરે 500 લોકો હતા. હાલમાં લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં છે. આ સમગ્ર ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યનાં મૃત્યુ થયાં છે. જેમાં સગાં બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી, ચાર જમાઈ અને સંતાનો સહિત એક પરિવારના 12 મોત થતાં સાંસદને ભારે આઘાત લાગ્યો છે.

જ્યાં તૂટ્યો ત્યાં નીચે 15થી 20 ફૂટ પાણી હોવાની શક્યતા - સાંસદ
દિવ્ય ભાસ્કરે મોરબીના સાંસદ મોહન કુંડારીયા સાથે ગઈકાલે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં અસલ આંકડો બહાર આવ્યો નથી, બચાવ કામગીરી પૂરજોશમાં છે. તમામ પ્રાઈવેટ- સરકારી હોસ્પિટલો ખોલી નાખવામાં આવી છે. જેમાં સૌથી વધુ આંકડો બાળકોનો બહાર આવવાની શક્યતા છે. પુલ જ્યાં તૂટ્યો ત્યાં નીચે 15થી 20 ફૂટ પાણી હોવાની શક્યતા છે. જેમના મોત થયા છે એમાં સૌથી વધુ બાળકો હોવાનો અમારો અંદાજ છે.

અંદાજે 7થી 8 બાળકોનું મોત થયું હોવાની સંભાવના
અત્યાર સુધીમાં મુખ્યમંત્રીના 2થી 3 ફોન આવી ગયા હોવાની સાથે ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાને પણ તેમની પાસેથી માહિતી લીધી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે તમામ વિભાગોને કામે લાગવાની સૂચના આપી હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે મોરબીના તમામ તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘટના બનવાનું કારણ પૂછતાં ઓવરવેઈટ થવાના કારણે આ હોનારત સર્જાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

પૂલની નીચે નદીમાં 15થી 20 ફૂટ પાણી હોવાનો અંદાજ
લોકોના મોતના આંકડા અંગે પૂછતાં તેમણે પૂલની નીચે નદીમાં 15થી 20 ફૂટ પાણી હોવાનો અંદાજ દર્શાવ્યો હતો. હમણાં નદીમાંથી જેટલા પણ નીકળી રહ્યા છે એમાંના મોટાભાગના બાળકો છે. એટલે મૃતકોમાં સૌથી વધુ બાળકો નીકળશે એમ તેમણે જણાવ્યું હતું. જો કે સાંસદે પણ આ હોનારતમાં પોતાના પરિવારના 12 લોકોને ગુમાવ્યા છે.

બેસતા વર્ષે ખુલ્લો મૂકાયો હતો
મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 7 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો. પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.

વર્ષ 1879માં પુલનુ ખાતમુહૂર્ત કરાયું હતું
ઝૂલતા પુલ વિશે વાત કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. માત્ર ગુજરાતના મોરબી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે.

અન્ય સમાચારો પણ છે...