મોરબી શહેર હોય કે ગ્રામ પંચાયત વિસ્તાર ઠેર ઠેર ચુંટાયેલી પાંખની નિષ્ક્રિયતા અને અધિકારીની બેદરકારી અવારનવાર નિર્દોષ લોકોનો ભોગ લેતી હોય છે અને કેટલીક ઘટનામાં ઘરના કમાનાર વ્યક્તિનું મોત થાય તો તેનું પરિવાર રઝળી પડતો હોય છે. આવી જ રીતે શ્રમિક પરિવાર તંત્રની બેદરકારીનું ભોગ બન્યો છે. જેમાં રફાળેશ્વર નજીક યુવક તેના પુત્ર સાથે ખુલ્લી ગટરમાં પડી ગયો હતો અને મોતને ભેટ્યો હતો. આ બનાવથી મૃતક યુવકનો દોઢ વર્ષનો પુત્ર અને પત્ની નોંધારા બની ગયા છે. આ ઘટનાથી હસતા રમતા પરિવારનો માળો વિંખાઇ ગયો હતો.
બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલ આરકો ક્વાર્ટઝ સિંક નામના કારખાનામાં રહેતા મુળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મોહન કાટીયાપુરાના કમલ ભુવાનસિંહ અખાડે નામનો યુવક તેના પુત્ર કાર્તિકને તેડીને કારખાનાની બહાર આવેલી દુકાને માવો લેવા માટે જતા હતા ત્યારે શ્યામ હોટલ પાસે આવેલી અને પાણી ભરેલી ગટર ક્રોસ કરતા હતા.
ત્યારે ચક્કર આવતા ગટરમાં પાણીમા પડી જતા ગટરના પાણીમા ડૂબી જતા તેમનુ મોત થયુ હતું. જો કે આ ઘટના નજરે નીહાળનારા લોકો દોડી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. જો કે તેમણે તેડેલો પુત્ર બાજુમાં ફેંકાઇ જતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવ અંગે મૃતકની પત્ની બસંતીબેન કમલભાઈ અખાડેએ તાલુકા પોલીસ મથકમાં નોંધ કરાવી હતી, અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.