મોરબી સ્તબ્ધ:આખી રાત મોરબી આંસુ સાથે જાગતું રહ્યું, શહેરની ઈમારતોમાં કરાયેલી દિવાળીની રોશની ઉતારી લેવાઈ

અમદાવાદએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા

મોરબીમાં ગોઝારી દુર્ઘટના પછી શહેર આંસુઓ સાથે આખી રાત જાગતું રહ્યું છે. દિવાળી નિમિત્તે શહેરમાં રોશનીઓ કરવામાં આવી હતી તે ઉતારી લેવામાં આવી છે. મોરબીમાં સેવાભાવીઓ, તંત્ર, હોસ્પિટલ સ્ટાફ, પોલીસ વગેરેએ ખડેપગે રહીને સારવાર, રેસ્ક્યૂની કામગીરી કરી છે અને ઘટનાના કલાકો પછી પણ ગુજરાત સ્તબ્ધ છે.

મોરબી શહેરમાં દિવાળીના ઝગમગતા દીવડા અચાનક ઓલવાઈ ગયા છે. ઝુલતો પૂલ તૂટી પડ્યાની હોનારતે આખા શહેરમાં સન્નાટો ફેલાવી દીધો છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી 141 લાશ મળી આવી છે અને તેમાં પણ 25 જેટલા તો નાના બાળકો છે. જે ઘરના આંગણામાં બાળકોની કિકિયારીઓ જોવા મળતી હતી ત્યાં મરશિયા ગાવાનો વારો આવ્યો છે. આ આખી પરિસ્થિતિએ મચ્છુ હોનારત જેવી ભયાવહતા ફરી એક વાર મોરબીમાં ફેલાવી દીધી છે.

આખું મોરબી સિવિલ હોસ્પિટલે, શહેરમાં સન્નાટો
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની ઘટનાએ સાંજથી જ મોરબીમાં હાહાકાર મચાવી દીધો હતો. એક પછી એક વારાફરતી એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલે લવાયા હતા. મૃતકો, ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનોથી આખી હોસ્પિટલ ઉભરાઈ ગઈ હતી. આને કારણે જાણે આખું મોરબી શહેર સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવી ગયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ત્યારે બીજીતરફ શહેર આખામાં ડરામણો સન્નાટો ફેલાઈ ગયો હતો.

આખા શહેરમાંથી લાઈટિંગ ઊતરી લેવાયું
મોરબી શહેરમાં દિવાળી નિમિત્તે શાનદાર રોશની કરવામાં આવી હતી. બે વર્ષ સુધી કોરોનાનો ઘા ઝીલ્યા બાદ આ વર્ષે શહેરે સરખી દિવાળી જોઈ હતી. પરંતુ જાણે કુદરતને કાંઈ અલગ જ મંજૂર હોય તેમ આ ભયંકર હોનારત સર્જાઈ. 25થી વધુ બાળકો સહિત 141 મૃતદેહો હાથ લાગતા કોણ કોના આંસુ લૂછવા જાય તેવી વિમાસણ ઊભી થઈ ગઈ હતી. આ હોનારતના શોકમાં મોરબી શહેરમાંથી લગભગ બધા સ્થળેથી રોશની ઉતારી લેવામાં આવી છે.

ઘરના 8 લોકો ઝૂલતા પુલ ખાતે ફરવા ગયા હતા
મોરબીના રહીશ અને છૂટક મજૂરીકામ કરતા આરીફશાના બહેન રજાઓમાં જામનગરથી આવ્યા હતા. તેમના આખા પરિવારના 8 લોકો મોરબીના ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા. જેમાં તેમના પત્ની દીકરો દીકરી અને ભાભી અને ભત્રીજીનો તેમજ બેન, બેનની દીકરી-દીકરાનો સમાવેશ થાય છે. તેમના પત્ની અને દીકરાનો મૃતદેહ મળ્યો છે, જ્યારે દીકરી લાપતા છે. દીકરી સહીત 4 લોકો હજુ લાપતા છે. 8 પૈકી એક ભાભી જીવિત મળ્યા, જેમને હાથના ભાગે ફ્રેક્ચર થવા પામ્યું છે. આવા તો બીજા ઘણા પરિવારો છે જેઓ પોતાના સ્વજનોના સગડની રાહ જુએ છે.

હજી મૃત્યુઆંક વધી શકે છે એવી વાતથી અરેરાટી
હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો અને મૃતદેહોનું આવવાનું ચાલુ જ છે. આને કારણે મોરબી શહેરના લોકોમાં અરેરાટી વ્યાપી ચૂકી છે. લગભગ દરેક મોરબીવાસીનું કોઈને કોઈ સ્વજન તો આ હોનારતનો ભોગ બનેલું જ હશે. કોને ત્યાં કોણ સાંત્વના આપવા જાય તે વાત પણ લોકોને સમજાતી નથી. હજી તો ઘણા એવા મૃતદેહો છે જે મચ્છુના પાણીમાં વહી ગયા છે અથવા તો ગારામાં ખૂંપાયેલા છે. આ બધા મૃતદેહો બહાર આવશે ત્યારે આખું મોરબી ડૂસકું લઈ લેશે તે નક્કી છે.

43 વર્ષ પહેલાં અમુક કલાકમાં મોરબી બન્યું હતું સ્મશાન
મોરબીમાં બરાબર 43 વર્ષ પહેલાં જળહોનારત સર્જાઈ હતી જેમાં 1400થી વધુ લોકોના સત્તાવાર મોત થયા હતા. તે 11 ઓગસ્ટ 1979નો એ કાળનો દિવસ હતો જ્યારે મચ્છુ-2 ડેમ તૂટી પડ્યો હતો. સવારે જે સામાન્ય જનજીવન લાગતું હતું તે અમુક કલાકમાં સ્મશાનમાં ફેરવાઈ ગયું. મચ્છુ-2 ડેમમાં નવાગામ તરફના માટીના પાર તૂટવાને કારણે ડેમમાં રહેલું પાણી આસપાસનાં ગામને પોતાની ઝપટમાં લેતા લેતા મોરબી તરફ આવ્યું અને મોરબી વાસીઓ કઈ વિચારે તે પહેલા શહેરીજનોને 25થી 30 ફૂટ ઉંચા પાણીનાં મોજા મોરબીવાસીઓ પર ફરી વળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...