પોલીસની અપીલ:વ્યાજખોરોની કોઇ કારી નહીં જ ફાવે

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોને ફરિયાદ કરવા બેધડક આગળ આવવા પોલીસની અપીલ

રાજ્યમાં ઉંચા વ્યાજે રૂપિયા આપ્યા બાદ લોકો પાસેથી પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગે રાજ્ય વ્યાપી ઝુંબેશ ચલાવી છે અને તેના ભાગરૂપે નાના મોટા દરેક શહેરોમાં આવા ઇસમો સામે ફરિયાદ નોંધવાનું શરૂ થયું છે અને જેમની સામે ફરિયાદ થઇ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ ઉપરાંત હજુ એવા કેટલાય લોકો એવા છે જે પોલીસ મથકમાં ફરિયાદ માટે સામે આવતા નથી આવા લોકો સામે આવે તે માટે રાજ્યભરમાં રેન્જ આઇજી દ્વારા આ પ્રકારની ફરિયાદ માટે જન સંપર્ક સભા કરી રહ્યાં છે ત્યારે મોરબીમાં રેન્જ આઇજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં જન સંપર્ક સભા યોજી હતી. આ સભામા 300થી વધુ લોકો હાજર રહ્યાં હતાં.

આ તકે બેંક અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા અને લોકોને ઝડપી અન્ય કોઈ દબાણ વિના કેવી રીતે લોન મળી શકે તેવી માહિતી આપી હતી. સભામાં 14 ફરિયાદ નોંધાઇ હતી અને 26 વ્યાજ ખોર વિરૂધ્ધ અલગ અલગ ગુના અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.બીજી તરફ રાજકોટ જિલ્લાના ગોંડલ, જસદણ, ધોરાજી,વીરપુર અને વાંકાનેરમાં લોક દરબાર યોજાયા હતા અને તેમાં મોટી સંખ્યામાં વ્યાજખોરોના આતંકથી ત્રાસેલા લોકો હાજર રહ્યા હતા.

મોરબી, ગોંડલ, ધોરાજી, જસદણમાં લોક દરબાર યોજાયા
જસદણ : જસદણ ખાતે 2 વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં જસદણમાં લાલજી સાકળીયાએ જંગવડના રમેશ મકવાણા અને તેની સાથેના અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. બીજી ફરિયાદમાં જસદણના યાત્રીક રાજેન્દ્ર શેઠએ ફરીયાદ નોંધાવી હતી કે, આરોપી અફઝલ મુલતાની, નિલેશ ઉર્ફે અફલી બાબુભાઈ કુકડીયા, વિવેક હરેશભાઈ ખાચર સામે ફરિયાદ કરી છે.

ગોંડલ : ગોંડલમાં લોક દરબાર બાદ બે સામે ફરિયાદ નોંધાવાઇ છે. વેપારીએ કાંતિભાઈ કાલરીયા સામે ફરિયાદ નોંધાવી છે . જ્યારે બીજા બનાવમાં ભાવેશભાઈ લીલાએ નરેશભાઈ બાલચંદભાઈ બાવીસીયા, રાજુભાઈ લક્ષ્મણભાઈ ફસરા, જીગ્નેશ નવીનચંદ્ર ખખ્ખર અને સંજય મોહનભાઈ કણસાગરા તથા જીગ્નેશ ઉકાભાઇ સોજીત્રા સામે ફરિયાદ નોંધાવી હતી.

વાંકાનેર : વાંકાનેર શહેર પોલીસ મથકના પી.આઇ. કે.એમ.છાસીયાએ જણાવ્યું હતું કે વ્યાજખોરોની ધાકધમકીથી ડરવાની જરૂર નથી. આ માટે જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ 02822 243478, મોરબી એલસીબી શાખા નંબર 7567888867 અથવા મોરબી એસઓજી 9537799888 ઉપર સંપર્ક કરવો.

વીરપુર : વિરપુરના સરપંચ રમેશભાઇ સરવૈયા અન્ય આગેવાનો તથા નાગરીકોએ લોકદરબારમાં હાજરી આપી હતી અને તેમને કોઇ પણ ડર તથા ભય વગર વ્યાજખોરો સામે ફરીયાદ કરવા અપીલ કરવામા આવેલ હતી.

ધોરાજી : ધોરાજીના લોકદરબારમાં જિલ્લા પોલીસે વડા જયપાલસિહ રાઠોડે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને વ્યાજખોરોનો ત્રાસ હોય તો એ મામલે ફરિયાદ હોય તો સામે આવે, પોલીસ લોકોને ન્યાય અપાવશે.આ તકે બેંક અધિકારીઓએ લોન અંગે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...