મોરબીમાં પોલીસની ઢીલી અને ચલાવી લેવાની નીતિના પાપે છાશવારે ગુંડાગીરી કરતા તત્વો એટલી હદે બેફામ બની ગયા છે કે તેઓને પોલીસની જાણે કોઈ બીક જ ન રહી હોય તેમ કોઈના પર હુમલો કરવો, માર મારવો અત્યંત સામાન્ય બની ગયું છે. આ ઉપરાંત જિલ્લામાં ગેરકાયદે હથિયારનો વેપલો પણ મોટા પાયે ફુલ્યો ફાલ્યો છે.
ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ફાયરિંગ કરી ધાક જમાવી શકે અને ભય તેમજ આતંકનો માહોલ સર્જી શકે. મોરબી જિલ્લામાં ફાયરિંગ અને ધાક ધમકીની આવી જ એક ઘટના બુધવારે સામે આવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રંગપર બેલા ગામમાં રહેતા ગૌતમ જયંતિલાલ દેલવાડિયા તેના કારખાને જતા હતા.
તે દરમિયાન મોરબીના તળાવિયા શનાળા ગામના વતની અને મોરબીના ઉમા ટાઉનશિપમાં રહેતા નવનીત ઉર્ફે નંદો કાનાભાઈ પટેલ અને તેમજ મૂળ નશીતપર ગામનો વતની અને મોરબીમાં રહેતા યોગેશ બરાસરા નામના શખ્સ કારમા ધસી આવી પહોંચ્યા હતા અને ગૌતમને રોકી અસ્મિતા સાથે મૈત્રી કરાર તોડી નાંખજે તેમ કહી પિસ્તોલ તાકી ધમકાવ્યો હતો, દરમિયાન એક શખ્સે હથિયાર કાઢી પગની બાજુમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અને પતાવી દેતા આટલી લાગશે તેમ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે ગૌતમભાઈએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.બનાવ આધારે પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી 307, 506 114 તેમજ,આંર્મ્સ એકટ, અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે પી.આઇ વિરલ પટેલે તપાસ હાથ ધરી બન્ને આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.