મોરબીમાં ગત રવિવારની સાંજે 6:30 વાગ્યાના અરસામાં હળવું અંધારું પથરાઈ રહ્યું હતું, ત્યારે માત્ર દસ સેકન્ડની એ દુર્ઘટનામાં અનેક પરિવારોના જીવન કાયમ માટે અંધકારમાં ડૂબી ગયાં. ત્યારે કોયલી ગામના બે ભાઈ-બહેનનું પણ આ ગોઝારી ઘટનામાં મોત થતાં પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
કોયલી ગામના ભાઈ-બહેનનું દુર્ઘટનામાં મોત
સૂર્યનારાયણ આથમણી દિશામાં ડૂબી રહ્યા હતા, ત્યારે અનેક જિંદગી આથમી ગઈ. થોડી ક્ષણો પહેલાં જ જ્યાં આનંદ-ઉમંગનો કિલ્લોલ ગૂંજતો હતો, એ મોરબીનો મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ મરણચીસોથી ગુંજી ઊઠ્યો. કાળની લીલા કેવી છે? હજુ થોડી ક્ષણો પહેલાં ધબકતા શ્વાસ ઘડી બે ઘડીમાં નિશ્વાસ બની ગયા. ચોતરફ મોતનો ઓથાર છવાઈ ગયો. બે કટકા થઈને તૂટી પડેલા પુલના કેબલ પકડીને લટકતા લોકો મચ્છુના ગોઝારા જળમાં બેબાકળી આંખે પોતાના પરિવારજનને શોધતા રહ્યા. ત્યારે કોયલી ગામના ભાઈ-બહેનનું મોત પણ આ દુર્ઘટનામાં થયું.
ભાઈ-બહેનના મોતથી સોઢિયા પરિવારમાં માતમ
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર કોયલી ગામે રહેતા ભૂમિકાબેન રાયધનભાઇ સોઢિયા તેમના નાનાભાઈ ભૌતિક સાથે અન્ય સહેલાણીઓની જેમ ઝૂલતા પુલ પર ફરવા ગયા હતા. પણ એ બંન્નેને ક્યાં ખબર હતી કે આ પુલ તેમની કબર બની જશે. બંન્નેના કરુણ મોતથી સોઢિયા પરિવારમાં માતમ છવાયો છે.
કંઈ કેટલાયે લોકોનો પરિવાર પીંખાઈ ગયો
મોરબીની આ ગોઝારી ઘટનામાં જીવ ગુમાવનારા દરેક મૃતકની આવી જ હૃદયદ્રાવક કહાની છે. કેટલાંય સ્વપ્નો રોળાઇ ગયાં. જેમણે સ્વજનો ગુમાવ્યા એ પરિવારોની વેદનાનું વર્ણન શક્ય નથી, તેમનું સર્વસ્વ છીનવાઈ ગયું. હસતા, રમતા, આનંદ માણવા ગયા હતા એ સ્વજનો સદા માટે ચાલ્યા ગયા. જે પાછળ રહી ગયા તેમના જીવન સૂના બની ગયાં. ખુશી અને આનંદનું જીવનસંગીત મૃત્યુના ખૌફનાક સન્નાટામાં શાંત થઈ ગયું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.