• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • The Suspension Bridge Fell And Kano Jumped Into The Water, A Public Rescue Operation Brought Amritiya To The Assembly Gate.

PM મોદીના ફોને આપ્યું ઇન્ડિકેશન:ઝૂલતો પુલ પડ્યો અને કાનો પાણીમાં કૂદ્યો, લોકોની બચાવ કામગીરીએ અમૃતિયાને વિધાનસભાના દ્વારે પહોંચાડ્યો

મોરબી3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ વચ્ચે ભાજપમાંથી કોને ટિકિટ મળશે એની આતુરતાનો અંત આવ્યો છે. ભાજપ દ્વારા આજે સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠક માટે સત્તાવાર રીતે ઉમેદવારનાં નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે.

નરેન્દ્ર મોદીએ અમૃતિયાને ફોન કરી દુર્ઘટનાની પળેપળની માહિતી મેળવી હતી
11 દિવસ પહેલાં મોરબીમાં સર્જાયેલા ઝૂલતા પુલ અકસ્માતમાં 135 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જોકે સાંજે 6.32 વાગ્યે બનાવ બનતાની સાથે જ સ્થાનિક તંત્રની પહેલાં પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા સ્થળ પર પહોંચી પાણીમાં ઊતરી બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. જોકે આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોન આવી ગયો હતો અને પરિસ્થિતિનો તાગ ખુદ પ્રધાનમંત્રીએ તેમની પાસેથી મેળવ્યો હતો. એ જ સમયે એક ઈન્ડિકેશન આપી મેરેજાને કાપી કાનાને ટિકિટ આપવાનું મન પ્રધાનમંત્રીએ બનાવી દીધું હતું અને આખરે આજે નામ જાહેર થતાં મોરબી ભાજપના ઉમેદવાર તરીકે કાંતિ અમૃતિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

મચ્છુમાં કૂદેલા કાંતિ અમૃતિયાએ બાજી મારી.
મચ્છુમાં કૂદેલા કાંતિ અમૃતિયાએ બાજી મારી.

મોરબી દુર્ઘનામાં કરેલી કામગીરી ફળી
વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપે 182 પૈકી 160 ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી દીધી છે. તાજેતરમાં 11 દિવસ પૂર્વે થયેલા મોરબી ઝૂલતા પુલ અકસ્માત બાદ લોકોમાં નારાજગી જરૂર જોવા મળતી હતી, પરંતુ આ નારાજગી દૂર કરવા ભાજપે માસ્ટર સ્ટ્રોક અપનાવ્યો છે, જેમાં તંત્રની પહેલાં પાણીમાં ઊતરી બચાવ કામગીરીમાં જોડાયેલા મોરબીના પૂર્વ ધારાસભ્ય અને પ્રધાનમંત્રી મોદીના નજીક એવા કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી છે.

કાંતિ અમૃતિયાએ તો મંત્રીનું જ પત્તું કાપી નાખ્યું
એવું માનવામાં આવી રહ્યું છે કે મોરબીમાં થયેલા અકસ્માતમાં સ્થાનિક તંત્ર પહેલાં કાંતિ અમૃતિયા બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા અને તેમની આ સંવેદનાથી પ્રધાનમંત્રી પ્રભાવિત થયા હતા, જેથી કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી આવેલા અને રાજ્ય સરકારમાં મંત્રી બનેલ બ્રિજેશ મેરજાને કાપી ભાજપે આ ચૂંટણીમાં કાંતિ અમૃતિયાને મેદાને ઉતારી મોરબી બેઠક પરના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

કોણ છે કાંતિ અમૃતિયા
કાંતિલાલ શિવલાલ અમૃતિયાનો જન્મ 8 માર્ચ 1962ના રોજ મોરબી જિલ્લાના જેતપરમાં એક મધ્યમવર્ગીય પટેલ સમુદાયના પરિવારમાં થયો હતો. મોરબી બંધની નિષ્ફળતાને કારણે આવેલા પૂર દરમિયાન 1970ના દાયકામાં એક નાના છોકરા તરીકે પણ તેમણે પીડિતોના પુનર્વસન માટે સેવા આપી હતી. તેમણે મોરબીની વીસી ટેક્નિકલ હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એક યુવાન તરીકે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એક વિદ્યાર્થી સંગઠનમાં જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ ચળવળમાં સામેલ થયા હતા. ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ ચળવળમાં સામેલ હતા. સંસ્થામાં પૂર્ણ-સમયના સભ્ય તરીકે કામ કર્યા પછી, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

કાંતિ અમૃતિયાના બચાવકાર્યનો વીડિયો વાઇરલ થયો હતો
કાંતિ અમૃતિયાના બચાવકાર્યનો વીડિયો વાઇરલ થયો હતો

કાંતિ અમૃતિયાએ મોરબી મતવિસ્તારનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું
પ્રથમ વખત 1995માં કાંતિભાઈએ મોરબી ખાતે પાર્ટી કેડરની કમાન સંભાળી અને M.L.A તરીકે ચૂંટાયા હતા. ત્યારથી 2013 સુધી તેઓ M.L.A તરીકે મોરબીના મતવિસ્તારમાં સેવા આપી હતી. ડિસેમ્બર 2012માં ગુજરાત રાજ્યની ચૂંટણીમાં કાનાભાઈ 5મી વખત ચૂંટાયા હતા. તેમણે મોરબી મત વિસ્તારનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. મોરબી અને આસપાસના લોકો તેમને કાનાભાઈના નામથી જાણે છે. તેમણે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે કામ કર્યું છે.

શંકરસિંહ મંત્રી બનાવતા હતા છતાં ભાજપ ના છોડયું
મોરબી બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હાજર મૂળ આર.એસ.એસ.ના અને 1995થી 2012 સુધી સળંગ ધારાસભ્ય તરીકે જીતતા આવેલા કાંતિ અમૃતિયાએ કહ્યું, મોરબીમાં લુખ્ખાગીરી અત્યારે ખૂબ વધી ગઈ છે, ખોટાં કામો કરાય છે તે બંધ કરાવવા મારે આવવું પડે છે અને આજથી જ તેની શરૂઆત કરું છું, મને શંકરસિંહ વાઘેલા મંત્રી બનાવતા હતા છતાં ભાજપ છોડ્યું નહોતું. અત્યારે ઉપર અને નીચે સારા માણસો છે, પરંતુ વચ્ચે લેભાગુ તત્ત્વો ઘૂસી ગયાં છે. ભૂદેવોએ પણ તેઓ ચૂંટણી રાજકારણમાં સક્રિય થાય એવી લાગણી વ્યક્ત કરી હતી.

મોરબી જિલ્લાની 3 સીટ પર ઉમેદવારો ફાઈનલ
ભાજપ દ્વારા લાંબા મનોમંથન બાદ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. જોકે જેને ટિકિટ મળવાની છે તેને રાત્રે જ જાણ કરી દેવામાં આવી હતી અને કાનાભાઈને ફરી ટિકિટ મળી રહી છે. એવા સંકેત મળ્યા હતા, જેના પર મહોર લાગી છે. મોરબી બેઠક પર કાંતિ અમૃતિયા, ટંકારા બેઠક પર દુર્લભજીભાઈ દેથરિયા અને વાંકાનેર બેઠક પરથી જિતુભાઈ સોમાણીને ટિકિટ આપવાની યાદી જાહેર કરવામાં આવી છે અને સંભવિત ત્રણેય ઉમેદવારો શુક્રવારે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે.

મોહન કુંડારિયાને કદ પ્રમાણે વેતર્યા
ઉલ્લેખનીય વાંકાનેરના ભાજપ ઉમેદવાર જિતુ સોમાણી અને સાંસદ મોહન કુંડારિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. અનેક વખત બંને વચ્ચેના મતભેદો સપાટી પર જોવા મળ્યા હતા અને જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. જોકે આખરે આંતરિક યુદ્ધમાં જિતુ સોમાણીનો વિજય થયો હોય તેવું લાગી રહ્યું છે અને સાંસદ મોહન કુંડારિયાને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા છે. વાંકાનેર અને મોરબી બેઠક પરથી ભાજપે બંને ઉમેદવારનાં નામ જાહેર કર્યાં છે તે મોહન કુંડારિયાના વિરોધી જૂથના હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...