મોરબી પુલ દુર્ઘટના:રિનોવેશન ગુણવત્તાયુક્ત ન થયું; સસ્પેન્શન બ્રિજના મેઈન કેબલ, એંગલમાં કાટ અને બોલ્ટ પણ ઢીલા હતા

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આરોપીઓની જામીન પર સુનાવણી વખતે પોલીસે રજૂ કરેલા પ્રાથમિક FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ
  • 30 ઓક્ટોબરે 3165 ટિકિટ આપી દેવાઈ...

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં એક આરોપીની જામીન અરજીની સુનાવણીમાં પોલીસ દ્વારા દુર્ઘટનાની તપાસ વખતે લેવાયેલા એ નમૂના તેમજ તસવીરોની એફએસએલ તપાસ કરાઇ હતી. એફએસએલ રિપોર્ટમાં પુલનું રિનોવેશન ગુણવત્તાયુક્ત ન હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને આ સસ્પેન્શન બ્રિજનો મુખ્ય કેબલ કાટ લાગેલો હોવાનું તેમજ લોખંડના એંગલમાં પણ કાટ હતો. તેના જોઈન્ટ પણ ત્રણ ઇંચ જેટલા ખુલ્લા હોવાનું સામે આવ્યું છે.

આ રિપોર્ટમાં 30 ઓક્ટોબરે 3165 ટિકિટ અપાઈ હોવાનું પણ સામે આવ્યું છે. પુલ કેટલું વજન ઊંચકી શકે છે તે અંગે મેનેજમેન્ટ કંપની દ્વારા યોગ્ય તપાસ ન કરી હોવાનું અને ટિકિટ આપવા રખાયેલા માણસો વચ્ચે યોગ્ય તાલમેલનો અભાવ જોવા હતો. જેથી ટિકિટ ઇસ્યૂ કરનાર કર્મચારીઓને પુલ પર કેટલા લોકો જવા દેવા અને કેટલી ટિકિટ આપવી તે અંગે કોઈ સ્પષ્ટ ખ્યાલ ન હતો.

આ અંગે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટના સરકારી વકીલ વિજય જાનીએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ઘટનાની પ્રાથમિક તપાસ વખતે લીધેલો ફોટો અને નમૂના ફોરેન્સિક લેબમાં મોકલાયા હતા. તેનો રિપોર્ટ ગઈકાલે પોલીસે રજૂ કર્યો હતો. આ રિપોર્ટ પ્રાથમિક છે. જોકે વધુ માહિતી આગળનો રિપોર્ટ આવે ત્યારે જ ખ્યાલ આવી શકે છે.

9 આરોપીઓની જામીન અરજી પર 23મીએ નિર્ણય લેવાશેઃ ઝૂલતા પુલ તૂટવાની ઘટનામાં ઝડપાયેલા ઓરેવા કંપનીના બે મેનેજર દીપક પારેખ અને દિનેશ દવે તેમજ દેવ પ્રકાશ સોલ્યુશનના દેવાંગ પરમાર અને પ્રકાશ પરમાર ઉપરાંત અન્ય પાંચની જામીન અરજી રજૂ કરાઈ હતી, જેમાંથી એક અરજી પર સોમવાર જ્યારે બીજી પર મંગળવારે સુનાવણી હાથ ધરાઇ હતી. આ બંને અરજી પર 23મીએ રોજ કોર્ટ દ્વારા જામીન અરજી પર નિર્ણય કરાશે.

કિસ્સો 1 | મારો દીકરો તો લેમ્પની ફેક્ટરીમાં કામ કરતો, તેનું કામ પુલની ટિકિટ આપવાનું ન હતું

સુરક્ષા માટે મોકલાયેલા મુકેશ ચૌહાણના પિતા દલસિંગ કહે છે કે, મારો પુત્ર નિર્દોષ છે. તે લૅમ્પ ફેક્ટરીમાં કામ કરતો અને દિવાળીમાં ફેક્ટરી બંધ હોવાથી તેને પુલ પર ટિકિટ આપવાનું અને સિક્યુરિટીનું કામ અપાયું હતું. તેણે તો માલિકે જે કામ સોપ્યું તે કર્યું હતું. અમારા છોકરાનો કોઈ વાંક ગુનો ન હોવા છતાં જેલમાં બંધ છે. અમારા સંતાનોને વહેલી તકે છોડી દેવામાં આવે. અમે ગરીબ પરિવાર છીએ. રોજનું કમાઈ રોજનું ખાઈ પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ, જેથી અમને ન્યાય આપવો જોઈએ.

કિસ્સો 2 | વેકેશનમાં ઘરે ન જવાના હોવાથી મોરબી રોકાઇ જનારા શ્રમિક પણ હવે જેલમાં કેદી

દાહોદના સુકી અનૂપ ગામના બે ભાઇ દિલીપ ગોહિલ અને અલ્પેશ ગોહિલ મોરબી આવ્યા હતા. વેકેશન હોવાથી અલ્પેશભાઈ તેમના પત્ની પમીલાબેન સાથે મોરબી ઓરેવા આવ્યા હતા. તેઓ ફેક્ટરીમાં સામાન ખાલી કરવાનું કામ કરતા. દિવાળીમાં ફેક્ટરી બંધ હતી, ત્યાં કામ ન હતું, એટલે તેમને પુલના કામ માટે મોકલાયા હતા. તેમનું કામ સુરક્ષાનું હતું જ નહીં. ઉપરીનો આદેશ હતો એટલે ત્યાં ગયા અને દુર્ઘટના સર્જાઈ. આ આખી ઘટનામાં તેમનો વાંક જ નથી. આમ છતાં જેલમાં જવાનો વારો આવ્યો અને ફેક્ટરીમાં કોઈનો સંપર્ક થતો નથી.

કિસ્સો 3 | પુલમાં ફક્ત ફેબ્રિકેશન કરનારા પિતા- પુત્ર હજુ પણ જામીન માટે ચપ્પલ ઘસી રહ્યા છે
પુલના રિનોવેશનનું કામ કરનારા દેવ પ્રકાશ સોલ્યુશન પેઢીના પ્રકાશભાઈ પરમાર અને તેમના પુત્ર દેવાંગ પરમારના પરિવારના સભ્ય ભરતભાઇના જણાવ્યા મુજબ, તે બંનેનું કામ પુલના નીચેના ફેબ્રિકેશનનું હતું, જેમાં પુલના તળિયા તૈયાર કરવાના હતા. આ ઘટના ક્ષમતાથી વધુ લોકોને પુલ પર જવા દેવાથી સર્જાઈ છે. જામીન અરજીનો નિર્ણય થતો નથી. તારીખ આવે એટલે જામીન મળશે તેવી આશા સાથે કોર્ટ જઈએ છીએ અને નિરાશ થઇને પરત આવીએ છીએ. અમારો વાંક કેટલો અને શો છે એની અમને હજુ સુધી નથી ખબર.

અન્ય સમાચારો પણ છે...