મોરબી તાલુકાના કુંતાસી ગામ નજીક આવેલા ગામમાં બીબીના ટીંબા તરીકે એક પ્રાચીન અને ઐતિહાસિક સ્મારક આવેલું છે. 1987માં પુરાતન વિભાગ તેમજ પુનાની ડેક્કન કોલેજના પુરાતત્વ વિભાગના સહયોગથી ઉત્ખનન શરૂ કરવામાં આવ્યું હતું અને 1990માં સંપૂર્ણપણે નજર સમક્ષ આવ્યું હતું. જેના આધારે ઇસવીસન પૂર્વે 2500 આસપાસ સિંધુ સંસ્કૃતિનો મહત્તમ ફેલાવો થયો હોવાનું તારણ નીકળ્યું હતું.
કુંતાસીનો ટીંબો આજે કચ્છના અખાતથી 8 કિમીના અંતરે છે લોથલની જેમ જ તે પણ એક સમયે બંદરીય વસાહત હશે તેવું ઉત્ખનન પૂર્વે સર્વેક્ષણમાં જણાયું હતું. ઉત્ખનન બાદ કુંતાસીમાંથી વહાણ લાંગરી શકાય તેવું પ્લેટફોર્મ, માલના સંગ્રહ કરવાના ગોદામો, વિવિધ પ્રકારના મણકા, તાંબા કાંસાની વસ્તુઓ, માટીના વાસણ બનાવવાના નાના કારખાનાઓ તથા ભઠાઓ મળી આવ્યા હતા. કુંતાસીની વસાહતને મધ્યપુર્વના દેશો સાથે વ્યાપારિક સંબંધો હશે તેવું પણ તારણ નીકળ્યું છે એક પ્રકારના દ્વિરંગી લાલ અને સફેદ રંગના વાસણોની નિકાસ થતી હશે તેવું માનવામાં આવી રહ્યું છે.
આ સંશોધનને 32 વર્ષ પુરા થઇ ગયા છે પરંતુ ત્યારબાદ પુરાતત્વ વિભાગ આ સ્થળને સંપૂર્ણ ભૂલી ગયો છે. હાલ એ અવશેષો પણ વેર વિખેર થયા છે, અને ત્યાં બાવળના વૃક્ષો છે પશુપાલકો માલ ઢોરને ત્યાં ચરાવે છે. ધોળાવીરાને જે તે સમયે વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો મળ્યો હતો પરંતુ કુંતાસીની સાઈટ અંગે વર્તમાન પુરાતત્વ અધિકારીઓ પાસે પણ માહિતી નથી એ વાસ્તવિકતા છે. અહીં સ્થિતિ એ છે કે પુરાતત્વ વિભાગ દ્વારા જે હેરીટેજ સાઇટનું બોર્ડ લગાવાયું હતું તે પણ હાલ નામનું જ રહ્યું હોય તેમ લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.