રેસ્ક્યું ઓપરેશન પૂર્ણ જાહેર કરાયું:મોરબીમાં રાહત કમિશ્નરે ઘટનાસ્થળની મુલાકાત લીધી; સર્ચ-રેસ્ક્યુ કામગીરી અંગે અધિકારીઓ સાથે મીટીંગ યોજી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીનો ઝૂલતો પુલ ગત રવિવારે સાંજે તૂટી પડતાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે સેનાની ત્રણેય પાંખો ઉપરાંત NDRF અને SDRF સહિતની ટીમો લાગલગાટ પાંચ દિવસથી સર્ચ અને રેસ્ક્યુ કામગીરી કરી રહી છે. જો કે છેલ્લા બે દિવસમાં નદીમાંથી કોઈ જીવિત વ્યક્તિ કે મૃતક હાથ ના લાગતાં રાહત કમિશ્નરે સ્થળની મુલાકાત લીધા બાદ અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી. જેમાં રેસ્ક્યુ ઓપરેશનને પૂર્ણ જાહેર કરાયું હતું.

સર્ચ અને રેસ્ક્યુ કામગીરી પૂર્ણ જાહેર કરાઈ
​​​​​​​મોરબી જીલ્લા કલેક્ટરને બે વ્યક્તિ મિસિંગ હોવાની જે માહિતી મળી હતી તેની પોલીસે ખરાઈ કરતાં તે ફ્રોડ કોલ હોવાનું ખુલ્યું હતું અને હાલ કોઈ મિસિંગ ના હોવાનું જાણવા મળ્યું છે. જેથી રાહત કમિશ્નર હર્ષદ પટેલે આજે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને રેસ્ક્યુ તેમજ સર્ચ કામગીરી કરનારી ટીમો સાથે ચર્ચા કરી જરૂરી વિગતો મેળવી હતી. આજે ચશ્માં, પાકિટ સહિતની ચીજવસ્તુઓ મળી આવતાં નેવી ટીમે ઊંડે સુધી પાણીમાં તપાસ કરી હતી. જો કે ચીજ વસ્તુઓ સિવાય કશું હાથ લાગ્યું ન હતું. જેથી રાહત કમિશ્નરે કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી. જેમાં હાલ કોઈ મિસિંગ ના હોય અને સર્ચ કામગીરી લગભગ પૂર્ણ થઇ ગઈ હોવાથી વધુ સર્ચ કામગીરીની જરૂરિયાત ન હોવાની ચર્ચા થઇ હતી. જેને પગલે સર્ચ અને રેસ્ક્યુ કામગીરી હવે પૂર્ણ કરવામાં આવી હોવાનું જાહેર કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...