PSIનો વતન પ્રેમ:અમદાવાદના PSIએ પોતાના વતન મોરબીમાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ખેતરમાં રનિંગ ટ્રેક બનાવ્યો

મોરબી2 મહિનો પહેલાલેખક: મનીષ પારીક
  • મોરબીના હડમતિયા ગામમાં પોલીસ ભરતી માટે PSIએ ખેતરમાં પ્રેક્ટિસની વ્યવસ્થા કરી આપી
  • અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવે છે વનરાજસિંહ ડોડિયા

રાજ્યમાં હાલ લોકરક્ષક દળ તથા PSIની ભરતીપ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 3 ડિસેમ્બરથી શારીરિક કસોટી શરૂ થવાની છે. એને પગલે રાજ્યનાં મોટા ભાગનાં શહેરો, ગામડાંમાં ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે. ઘણી જગ્યાએ મેદાન સહિતની સુવિધાના અભાવે ઉમેદવારો મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યારે કેટલાક સેવાભાવી લોકો પણ તેમની મદદે આવી રહ્યા છે.

ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં આગામી પોલીસ ભરતીને લઈને ગામનાં યુવક-યુવતીઓ શારીરિક કસોટીમાં પાસ થવા તૈયારી કરી રહ્યાં છે, પણ દોડવા માટે ગામમાં ટ્રેક કે ગ્રાઉન્ડનો અભાવ હોવાથી ગામના જ વતની અને અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ ડોડિયાને ખબર પડતાં તેમણે આ યુવક-યુવતીઓને દોડવા માટે પોતાનું ખેતર ખુલ્લું મૂકી તેમને દોડવા સહિતની ટ્રેનિંગ માટેની વ્યવસ્થા કરી આપી છે.

પોતે ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા હોવાથી ગામના યુવાઓને મદદ
PSI વનરાજસિંહ ડોડિયાએ હડમતિયા ગામે આવેલા પોતાના ખેતરમાં ગામનાં યુવક-યુવતીઓને પોતાનું ઊજળું ભવિષ્ય સિદ્ધ કરવા આ ખેતરનો ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું પોતે આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યો છું. વીતેલા દિવસો તો પાછા નહીં આવે, પણ સમયની કિંમત પણ જાણું છું. ગામમાં ક્યાંય આજની યંગ જનરેશન માટે જરૂરી સુવિધાઓ ન હોવાથી અને પ્રોત્સાહન ન હોવાથી ઘણાખરા યુવાનોનાં સપનાં ચકનાચૂર થઈ જાય છે. મારું ભવિષ્ય આ ખેતરને લીધે ઊજળું બન્યું છે.

ખેતરમાં ઘણા ઉમેદવારોએ ટ્રેનિંગ લઈ પરીક્ષા પાસ કરી
વનરાજસિંહના આ ખેતરમાં ગામના જ ઘણા યુવાઓએ અત્યારસુધીમાં આર્મી, કોન્સ્ટેબલ અને PSIની ફિઝિકલ પરીક્ષા માટે ટ્રેનિંગ લીધી છે. તેઓ કહે છે, મારા માટે આ જમીન ભાગ્યશાળી સાબિત થયેલી છે. તેઓ કહે છે, મેં અહીં પ્રેક્ટિસ કરીને એક્ઝામ પાસ કરી હોઈ, આગામી પોલીસ ભરતીમાં ગામનાં યુવક-યુવતીઓને નિસંકોચપણે આ ખેતરનો ઉપયોગ કરવાની સાથે તેઓ ગામનું નામ રોશન કરશે. ઉપરાંત તેમણે માર્ગદર્શન માટે પરીક્ષાર્થીઓને ફોન કરવા પણ જણાવ્યું હતું.‌‌

PSI ખુદ ગામમાં જઈ ઉમેદવારોને ટ્રેનિંગ આપે છે
આ વિશે મિલનસિંહ સગર નામના ઉમેદવારે જણાવ્યું હતું કે અમારા ગામમાં પોલીસની ભરતી માટે ક્યાંય ટ્રેકની સુવિધા નહોતી, આથી અમારા જ ગામના અને અમદાવાદ સરખેજ પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ ડોડિયાએ પોતાની જ વાડીમાં ટ્રેકની સુવિધા ઊભી કરી આપી છે, જેથી કરીને ગામનાં યુવક-યુવતીઓ પોતાનાં સપનાં સાકાર કરી શકે. તેઓ અવારનવાર અહીં રૂબરૂ આવી અમને ફિઝિકલ ટ્રેનિંગ પણ આપે છે.

ખેતરમાં ટ્રેનિંગ કરતા હડમતિયા ગામના ઉમેદવારો
ખેતરમાં ટ્રેનિંગ કરતા હડમતિયા ગામના ઉમેદવારો

'પહેલાં અમે રોડ પર ટ્રેનિંગ કરતા હતા'
જ્યારે ખેતરમાં દોડની પ્રેક્ટિસ કરતી એક મહિલા ઉમેદવારે કહ્યું, પહેલાં અમે પોલીસની ભરતી માટે રોડ પર ટ્રેનિંગ-પ્રેક્ટિસ કરતા હતા, પણ ત્યાં અકસ્માતનો ભય હતો. અત્યારે અમારા જ ગામના અમદાવાદમાં PSI તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ ડોડિયાએ ટ્રેનિંગ માટે પોતાનું ખેતર આપી દીધું એ બદલ અમે સૌ તેમના આભારી છીએ. આ ટ્રેક પર દોડીને અમારા ગામના અનેક યુવાનો હાલ પોલીસ ખાતામાં ફરજ બજાવે છે.