દિવસે દિવસે વધી રહેલા ડિઝલ અને ગેસના ભાવના કારણે મોંઘવારીમાં ધરખમ વધારો થયો છે, જેની અસરના કારણે જીવન જરૂરિયાતની નાની મોટી ચીજ વસ્તુઓ સાથે સાથે ઉદ્યોગોના રો મટિરિયલ પણ હવે મોંઘા થયા છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ સિરામિક ઉદ્યોગોને રો મટીરીયલ પૂરું પાડતા આનુસંગીક ઉદ્યોગોકારો પણ ભાવ વધારો કરવાં તરફ વધી રહ્યા છે. ત્યારે મોરબી સિરામિક સ્પ્રે ડાયર એસો. દ્વારા ગુરુવારના રોજ વોલ ટાઇલ્સમાં વપરાતા વાઇટ બોડી ક્લેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
રો-મટીરીયલ જેવા કે કોલસા, સિલિકેટ, ટ્રાન્સપોર્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી સતત ભાવ વધારો થઈ ગયો હોય, આ બાબતે સ્પ્રે ડાયર એસોસિએશનના તમામ સભ્યોની આજે વર્ચ્યુઅલ મિટિંગ યોજવામાં આવી હતી. આ વર્ચ્યુઅલ મિટિંગ તમામ સભ્યો સાથે ચર્ચા થયા બાદ ફરજિયાત રીતે તા.21 મેથી વાઇટ બોડી ક્લેના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.
જેમાં નવા ભાવ કેશમાં 2350 અને ક્રેડિટમાં 2500 નક્કી કરવામાં આવ્યા છે. જેના લીધે આગામી સમયમાં સિરામિક પ્રોડક્ટમાં પણ આંશિક વધારો જોવા મળશે.છેલ્લા થોડા સમયથી ગેસના ભાવમા વધારો કરાતાં સિરામિક ઉદ્યોગકારો ગિન્નાયા હતા અને રાજ્યના મંત્રી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ ભાવ વધારા અંગે વિગત આપતા જણાવ્યુ હતુ કે ગેસના વધતા જતા ભાવોને કાબુમાં લેવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, જો કે તેનો સફળ પડઘો પડે તે પહેલાં વ્હાઇટ બોડી ક્લેના ભાવમાં વધારો કરવાની સ્પ્રે ડાયર એસો.ની જાહેરાતના પગલે ફરી મોરબીના સિરામિક ઉદ્યોગકારોના પેટમાં ફાળ પડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.