મોરબી નગરપાલિકા અને અમરેલી ગ્રામ પંચાયત વિસ્તારની હદ વિવાદના કારણે નવલખી રોડની આસપાસના વિસ્તારોમાં છેલ્લા સાત વર્ષથી તમામ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. આ વિસ્તારમાં રોડ, પાણી, લાઈટ, ગટરની સુવિધા જ ન હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારમાં પાલિકા જે અમરેલી ગ્રામ પંચાયત બન્ને માંથી એક પણ કામગીરી કરવા રાજી નથી.
પાલિકા અને ગ્રામ પંચાયતમાં અનેક રજૂઆત કરવા છતાં આ બન્ને તંત્ર પોતાનો વિસ્તાર હોવાનું જણાવી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતા સ્થાનિક નોંધારા થઈ ગયા છે ત્યારે સુવિધાઓથી વંચિત લોકોએ રોષે ભરાયા હતા અને કલેક્ટર કચેરીએ દોડી ગયા હતા અને પોતે મોરબી જિલ્લાના નાગરિક હોય તેમને સુવિધા આપવા આવે તેવી માંગણી કરી હતી જો સુવિધા ન મળે તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર અને આંદોલનની ચીમકી આપી છે.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગર, શ્રદ્ધા પાર્ક, યમુનાનગર સહિતના વિસ્તારોના રહીશોએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે, તેમના આ વિસ્તારમાં રોડ, ગટર, લાઈટ, પાણી, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાના છેલ્લા સાત વર્ષથી કોઈ ઠેકાણા જ નથી. આ પ્રાથમિક સુવિધા વગર સ્થાનિકોનું જીવવું હરામ થઈ ગયું છે.
ભારતના બંધારણ મુજબ સ્થાનિકો મૂળભૂત સુવિધાના હક્કથી વંચિત હોવા છતાં નથી, મોરબી નગરપાલિકા ધ્યાન આપતું કે નથી અમરેલી ગ્રામ પંચાયત ધ્યાન આપતું. નગરપાલિકાને રજૂઆત કરીએ તો પાલિકાવાળા કહે છે કે તમારા વિસ્તારો ગ્રામ પંચાયતમાં આવે છે.
આથી અમરેલી ગ્રામ પંચાયતમાં રજુઆત કરીએ તો કહે છે કે, તમારા વિસ્તારોનો વેરો પાલિકા ઉઘરાવે તો સુવિધા આપવાની જવાબદારી પાલિકાની છે. આમ નગરપાલિકા અને પંચાયત ફૂટબોલની જેમ જવાબદારીની ફેંકાફેંકી કરે છે. તેથી હવે ધીરજ ખૂટી હોય એક અઠવાડિયામાં સુવિધા ન મળે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની અને ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.