મોરબીના સિરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા પટેલ પરિવારે તેમના મોટા પુત્રના લગ્ન અને નાના પુત્રની સગાઈના પ્રસંગે રૂ. 1.11 લાખ ભારતીય સેનાને અર્પણ કર્યા છે. આમ પણ આ પરિવાર વર્ષોથી સામાજિક અને સેવાકીય કાર્યો સાથે સંકળાયેલો છે અને હાલમાં કોરોના મહામારીના લીધે લગ્ન કે એવો ખર્ચ બચી રહ્યો છે ત્યારે આ રકમ ઘરમાં રાખવાને બદલે આ પરિવારે આર્મીને આપી દેવાનું નક્કી કરી દેશસેવામાં યથાશક્તિ ફાળો આપ્યો છે.
શહેરના સરદારબાગ પાછળ શ્રીજી ટાવરમાં રહેતા સિરામિક એન્જિનિયર રમણીકભાઈ રાઘવજીભાઇ હળવદિયાના મોટા પુત્ર યોગીના લગ્ન 16 તારીખે યોજાયા હતા. આ જ દિવસે નાના પુત્ર દિપની પણ સગાઈ કરવામાં આવી હતી. લોકડાઉન અને કોરોનાની મહામારીના કારણે પટેલ પરિવારે પોતાનો પહેલો જ પ્રસંગ ટૂંકમાં પૂરો કર્યો હતો. આ પ્રસંગ ટૂંકમાં પૂરો થતાં ઘણો ખર્ચ બચ્યો હતો. તેથી એ રકમ ઇન્ડિયન આર્મીને આપવાનું પરિવારે નક્કી કર્યું હતું. હજુ એક જ દિવસ પહેલાં સ્વાતંત્ર દિનની આખા દેશમાં ઉજવણી કરવામાં આવી હતી અને બીજા જ દિવસે આ પ્રસંગ હોઇ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
યોગી તથા તેનો પરિવાર સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. ભારતીય સેનાના જવાનો દેશની સુરક્ષા માટે ખડે પગે રહે છે. તેથી સ્વતંત્રતા દિનના પર્વ નિમિત્તે તથા પરિવારમાં શુભ પ્રસંગ હોવાથી રૂ.1,11,111 તેમણે આર્મી રિલિફ ફંડમાં આપવાનો નિર્ણય લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.