ઉતર પૂર્વના પવન ફૂંકાવાના કારણે મોરબી સહિત સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મોરબી જિલ્લામાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગે પણ આકરી ઠંડીનો એક દૌર આવી રહ્યો છે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહ દરમિયાન લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી સુધી નીચે જવાની સંભાવના વ્યક્ત કરી છે.જેથી લોકોને ઠંડીથી બચવાના પગલાં લેવા અને ગરમ કપડાં પહેરીને ઘરની બાહર નીકળવા તેમજ બાળકો અને વડીલોની ખાસ કાળજી લેવા સલાહ આપવામાં આવી છે.
મોરબી જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં આકરી ઠંડીનો અનુભવ થયો છે મહિનામાં એક બે દિવસ બાદ કરતાં બાકીના દિવસોમાં આકરી ઠંડી પડી છે. ઉતરાયણ પર્વ બાદ તો જાણે રીતસરની શિત લહેર જામી હોય તેવી ઠંડી પડી હતી. ગયા સપ્તાહમાં ૮ અને ૯ ડિગ્રી સુધી પારો ગગડયો હતો મહતમ તાપમાન ૨૫ ડિગ્રીથી ઉપર ન પહોંચતા દિવસે પણ ઠંડી અને પવનનો અહેસાસ થયો હતો. તો આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
તા.21 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન મોરબી જિલ્લાના લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જવાની સંભાવના વ્યકત કરી છે. ઉત્તર દિશામાંથી આવતા ઠંડા પવનોને કારણે ઠંડીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે. બાળકો અને વડીલોની ખાસ કાળજી લેવા આરોગ્ય વિભાગે સલાહ આપી છે બાળકોને સાંજના શરીર ઢંકાયા વિના બહાર ન મોકલવા તેમજ વહેલી સવારે શાળાએ મોકલતા સમયે પણ કાન, નાક, માથું તેમજ હાથ પગ વ્યવસ્થિત ઢાંકી શકાય તેવા કપડાં પહેરીને મોકલવા સલાહ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.