તસ્કરી:મોરબીના યાર્ડમાં હવે જણસ સલામત નથી, વેપારીના 117 મણ જીરુંની ચોરી

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.ચાર લાખના જીરુંના 39 કોથળા શેડમાં રાખ્યા’તા અને તસ્કરો સાફ કરી ગયા
  • એ ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

મોરબી જિલ્લામાં ચોરીની ઘટના ઓછી થવાનું નામ લેતી નથી, પોલીસની ઢીલી નીતિ અને ઓસરતી જતી ધાકના પરિપાક રૂપે ચોરી તેમજ લૂંટની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. રૂપિયા અને દાગીનાની ચોરી કરતા ચોર હવે જીરુંની ગુણી પર પણ હાથ સાફ કરવા લાગ્યા છે.

મોરબી જિલ્લા પોલીસ ચોરીની ઘટના અટકાવવામાં નિષ્ફળ જતાં હવે ચોરીની ઘટનાઓ પણ છૂપાવવા લાગી છે. તેમ છતાં કોઇ ઘટના કેટલો સમય છૂપી રહી શકે? ચોરીની આવી જ વધુ એક ઘટના ફરી સામે આવી છે, જે બનાવ ગત 30 મેના રોજ મોરબીના માર્કેટીગ યાર્ડમાં બન્યો છે.

આ બનાવ અંગેની મળતી માહિતી મુજબ મોરબી માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા રમેશ ચુનીલાલ દેત્રોજાનું રૂ 4 લાખનું કિંમતનું 117 મણ જીરું 39 જેટલા કોથળામાં ભરીને રાખ્યુ હતું. જે માલિકની જાણ બહાર તસ્કરો ઉસેડીને ફરાર થઇ ગયા છે. માલિકને જીરૂની આ ચોરીના બનાવની જાણ થતાં જ તેમણે મોરબી પોલીસમાં જાણ કરી હતી અને પોલીસ સાબદી બની હતી.

જો કે અહીં સવાલ એ થાય કે સીસીટીવી કેમરાથી સજ્જ મોરબી માર્કેટિંગ યાર્ડમાંથી તસ્કરો રૂ. 4 લાખના જીરુની ચોરી કરી ફરાર થઇ ગયા અને યાર્ડના સિક્યુરીટી ગાર્ડ કે અન્ય લોકોને જાણ પણ ન થઇ, એ વાત જલદી ગળે ઉતરે તેવી નથી તેમ છતાં પણ જીરૂ પગ કરી ગયું એ વાત તો હાલ હકિકત છે ત્યારે હાલ મોરબી એ ડિવિઝન પોલીસમથકના સ્ટાફ દ્વારા વેપારીની ફરિયાદના આધારે અજાણ્યાં શખ્સ વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી માર્કેટીંગ યાર્ડના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી, ફૂટેજ ફંફોસી તેના આધારે આરોપીની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...