પશુ નહીં, કામગીરી નધણિયાતી:મોરબી શહેરમાં લાંબા સમયથી ઠપ પશુ પકડવાની કામગીરી રવિવારથી થશે શરૂ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંજરાપોળમાં ફેન્સિંગ કામ પૂર્ણ, ભવિષ્યમાં લોકો પશુના બાનમાંથી મુક્ત થશે તેવી સંભાવના

મોરબી શહેરમાં એક તરફ બિસ્માર રોડ રસ્તા બીજી તરફ રખડતા પશુનો ત્રાસ. શહેરીજનો તેેમનું વાહન લઈને ઘરેથી કે કામના સ્થળે નીકળ્યા બાદ ક્યારે પહોંચશે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. સૌરાષ્ટ્રના પેરિસમાં રખડતા પશુ માર્ગો પર અડીંગો જમાવીને બેસી જાય છે અને વાહન ચાલકને મજા આવે ત્યારે પોતાની ઝપટમાં લઈ લે છે. અનેક રજૂઆત બાદ મોરબી શહેરમાં પાલિકા દ્વારા પશુ પકડવાની કામગીરી હાથ ધરી હતી. એક માસમાં રગડ ધગડ કામગીરી જોવા મળી હતી. પાલિકાએ સો સવાસો જેટલી રખડતી ગાય, ગૌવંશ પકડી પંચાસર રોડ પર બનાવેલી પાંજરાપોળમાં રાખ્યા હતા.

જો કે આ પાંજરાપોળમાં બાઉન્ડ્રી વોલ નીચી હોવાથી પકડેલા ગાય અને ગૌ વંશ દીવાલ કૂદીને જતા રહતા હતા. પાલિકાએ ફરી પાછી પકડ કામગીરી બંધ કરી દીધી હતી. આ અંગે નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર ઉપપ્રમુખ, જયરાજસિંહભાઈ જાડેજા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા,દેખરેખ રાખનાર રામભાઈ તેમજ તમામ સદસ્યઓના સહિયારા પ્રયાસથી પાંજરાપોળ ખાતે ફેન્સિંગ વોલ અને પીવાના પાણીના કુંડ તેમજ પકડાયેલા પશુને યોગ્ય છાયો મળી રહે તે માટે વ્યવસ્થા હાથ ધરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

હાલ આ કામગીરીમાંથી ફેન્સિંગ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે લાઇટિંગ અને અન્ય નાની મોટી સુવિધા ઉભી કરવાની કામગીરી ચાલે છે. જે બે ત્રણ દિવસમાં પૂર્ણ થવાની સંભવાના છે.પાલિકા દ્વારા ફરી એકવાર શહેરમાં રખડતા પશુ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને તેનું પરિણામ મોરબીવાસીઓ જોઈ શકશે તેવો પાલિકા તંત્રએ દાવો કરવામાં આવ્યો છે.

પશુઓની સંપૂર્ણ કાળજી માટે પાંજરાપોળમાં સુવિધા કરી છે
પાંજરાપોળમાં હાલ રૂ.15 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવી છે, જેમાં 50 વિઘા જમીનમાં ફેન્સિંગ કરાઈ છે. આ સિવાય પાણી માટે અવેડાઓ, ધણખૂંટ અને ગાયને અલગ અલગ સ્થળે રાખવાની વ્યવસ્થા, લાઇટિંગ,ઘાસચારો વ્યવસ્થિત રાખવા શેડ ઉભા કર્યો છે. પકડાયેલા ઢોરના ચેક અપ માટે સપ્તાહમાં એક વાર પશુ તબીબ ચકાસણી માટે મોકલવામાં આવશે. આ ઉપરાંત રખડતા ધણખૂંટના ખસીકરણની પણ કામગીરી કરશે. > ગિરીશ સરૈયા, ચીફ ઓફિસર, મોરબી

અન્ય સમાચારો પણ છે...