નાના બાળકોથી લઈ યુવાનો માટેનો ખાસ પસંદગીનો તહેવાર એવું ઉત્તરાયણ પર્વ આવતીકાલે છે. મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં પર્વની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તેની ઝલક અંતિમ દિવસે બજારમાં જોવા મળી હતી. લોકો મોડી રાત સુધી ખરીદી કરતા નજરે પડ્યાં હતાં.
રાતે પતંગ બજારમાં રોનક છવાઈ હતી. થોડા દિવસોથી પતંગ બજારો શુષ્ક હતી. તેમાં હવે નવો પ્રાણ ફૂંકાયો છે. પતંગના દોરાથી પશુ-પક્ષીઓ ઘાયલ થાય તો તેમને તાત્કાલિક સારવાર માટે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. મકરસંક્રાંતિએ દાન-પુણ્યનો મહિમા હોવાથી દરેક લોકો દાનની સરવાણી વહાવશે. જ્યારે વધુ ઘાસચારો કે અનાજ ખાવાથી ગાયને આફરો ચડી જતો હોવાથી અબોલ પશુઓને ઓછો આહાર ખવડાવવાની અપીલ કરવામાં આવી છે. જેથી કરીને પશુઓની તબીયત પર અવળી અસર ન થાય.
પક્ષી બચાવો અભિયાન માટે 10 જગ્યાએ કલેક્શન સેન્ટર
મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવો અભિયાન માટે 10 જગ્યાએ કલેકશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.મોરબીના 1. રવાપર ચોકડી 2. અવની ચોકડી 3. સુપર માર્કેટ સામે 4. શક્તિમાં મંદિર સામે, શનાળા ગામ 5. સમજુબા સ્કૂલ પાસે, વાવડી ગામ 6. શિવધારા કોમ્પલેક્ષ, પંચાસર રોડ 7. નેહરુ ગેટ ચોક 8. મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી- 2 9. ફ્લોરા 158, રવાપર ગામ ખાતે પક્ષી કલેક્શન સેન્ટર બનાવાયા છે. જ્યારે પટેલ મેડિકલ સામે, બાપા સીતારામ ચોક પાસે ,રવાપર રોડ ખાતે પક્ષી સારવાર કેન્દ્ર બનાવાયું છે. જે 15 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. વધુ માહિતી માટે મો.નં. 7574885747 પર સંપર્ક કરવા જણાવાયું છે.
1962ની ટીમ, કરૂણા અભિયાન સતત ખડેપગે રહેશે
આ વર્ષે પણ 20 જાન્યુઆરી સુધી પતંગથી ઘાયેલ થયેલા પક્ષીઓનો જીવ બચાવવા માટે કરૂણા અભિયાન ચાલે છે. આ વર્ષે મોરબી ખાતે 1962ની ટીમ પક્ષીઓ બચાવવા કામે લાગશે. જેમાં ઈએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા મોરબી શહેર ખાતે નગર દરવાજે એક કેમ્પ રાખવામાં આવ્યો છે. જ્યાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરાવી શકશે અને સાથોસાથ તમને કોઇ ઘાયલ પક્ષી મળે તો 1962 ટોલ ફ્રી ડાયલ તરત જાણ કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.