• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • The Government Issued A Circular For The Death Certificate From Corona, But No Action Was Taken Due To Lack Of Specific Policy.

હાલાકી:કોરોનાથી મૃત્યુના પ્રમાણપત્ર માટે સરકારે પરિપત્ર બહાર પાડ્યો, પરંતુ ચોક્કસ નીતિના અભાવે કોઇ કામગીરી શરૂ જ ન થઇ

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી જિલ્લામાં હજુ સુધી કોરોનાથી મોત અંગેનું પ્રમાણપત્ર મેળવવા લોકોને અલગ અલગ કચેરીઓના થઇ રહ્યા છે ધરમધક્કા

કોરોના મહામારીના કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાંથી અનેક લોકો એવા છે જેમણે સ્વજન કોરોનાથી ગુમાવ્યા, જેમાં ઘણા પરિવાર એવા છે જેમણે પરિવારના મોભી ગુમાવ્યા હતા. ઘણા લોકોએ આવા ગરીબ કે જરૂરિયાતમંદ પરીવારને આર્થિક સહાય મળે તેવી માગણી કરી હતી. જે બાદ સરકારે કોરોનાથી મૃત્યુ પામેલી વ્યક્તિના 18 વર્ષથી નાની વયના બાળકોના અભ્યાસ માટે બાળકોને સહાયની ચુકવણી કરવા અંગે પણ જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રિમ કોર્ટમાં જાહેર હિત અરજી થઈ હતી. જેમાં કોરોનાથી મોત અંગે ડેથ સર્ટીફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના દર્શાવવા માગણી કરવામાં આવી.

જે બાબતે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે કોવિડ 19થી થયેલા મૃત્યુ પામેલા મૃતકના કુટુંબના સભ્યને મેડિકલ સર્ટિફિકેટ કોઝ ઓફ ડેથ આપવા દિશા નિર્દેશ આપ્યાં હતાં. અને તેના અનુસંધાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મુખ્ય રજિસ્ટ્રારને જન્મ મરણને યોગ્ય કાર્યવાહી માટે 03 સપ્ટેમ્બરના રોજ મોકલ્યા હતા. બાદ રાજય સરકારે પણ 20 ઓક્ટોબરના રોજ પરિપત્ર જાહેર કરી રાજ્યભરમાં જન્મ મરણ અધિકારીને કુટુંબના સભ્ય દ્વારા માગણી કરીને રજિસ્ટ્રારને જરૂરી માહિતી પુરી પાડવા સુચના આપવામાં આવી હતી.

તેમજ તેની ખાતરી કરવા કોવિડ 19 ડેથ સમીક્ષા કરવા દરેક જિલ્લામાં અધિક નિવાસી કલેક્ટર અધ્યક્ષતામાં કમિટીની નિમણુંક કરવા આદેશ કરવામાં આવ્યો હતો.જો કે મોરબી જિલ્લામાં આજ દિન સુધી આ અંગેનું પ્રમાણપત્ર નિકળવાની શરૂઆત થઈ નથી. જેના કારણે જિલ્લામાં અનેક અરજદારો હજુ પણ તેમના સ્વજનના કોરોનાથી મૃત્યુ અંગે પ્રમાણપત્ર મેળવવા અલગ અલગ કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે.

મોરબીમાં ગ્રામ પંચાયત કચેરી તેમજ નગરપાલિકા કચેરીમાં અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે. જો કે હજુ અમારી પાસે કોઈ સરકાર દ્વારા ચોક્કસ ગાઈડલાઈન મળી ન હોય જેથી પ્રમાણપત્ર કેવી રીતે આપવું તેમ કહી તંત્ર દ્વારા હાથ અદ્ધર કરવામાં આવી રહ્યા છે.

મારા પિતાનું જામનગરની ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી મોત થયું છે પણ સહાયની અરજી કોઈ સ્વીકારતું નથી
મારા પિતાનું જામનગરની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જે અંગે અમને હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના પણ દર્શાવ્યુ હતું જે બાદ તેના આધારે મોરબીની અલગ અલગ કચેરીમાં કોરોનાથી થયેલા મોત અંગે પ્રમાણપત્ર આધારે જરૂરી ફોર્મ અને અન્ય ડોક્યુમેન્ટ સાથે સરકાર દ્વારા. જાહેર કરાયેલા આર્થિક સહાય અંગે અરજી કરી હતી.મોરબીની એક પણ સરકારી કચેરીમાં અમારું ફોર્મ સ્વીકારવામાં આવતું નથી. મામલતદાર કચેરી જિલ્લા કલેક્ટર કચેરી,નગરપાલિકા એમ અલગ અલગ કચેરીમાં ધક્કા થઈ રહ્યા છે પણ દરેક કચેરીમાં અમારી પાસે સરકારનો કોઈ પરિપત્ર નથી આવ્યો. અમારી પાસે આ અંગે કોઈ માહિતી નથી તમારું ફોર્મ કેવી રીતે લઈએ તેમ જણાવી ફોર્મ લેવાની પણ ના કહી રહ્યા છે. - પાર્થભાઈ આર.જાડેજા, અરજદાર

આ અંગે કમિટીની રચના કરાઈ છે
રાજય સરકાર દ્વારા કોરોનાથી થનારા મોતમાં મૃત્યુ પ્રમાણપત્રમાં કોઝ ઓડ ડેથ બાબતે સમીક્ષા કરવા સૂચના મળી હતી, જેના આધારે કમિટી બની છે. જિલ્લા આરોગ્ય અધિકારીને નોડલ ઓફિસર તરીકે નીમ્યા છે. જો કે પરિપત્ર તાજેતરમાં આવ્યો હોય કામગીરી થઈ નથી આગામી દિવસોમાં આ અંગે કાર્યવાહી હાથ ધરીશું. - એન. કે. મુછાર, જિલ્લા અધિક કલેક્ટર

અન્ય સમાચારો પણ છે...