દુર્ઘટના:મોરબીના મચ્છુ મંદિર પાસે બસ દડતા અડફેટે ચડેલી બાળકીએ સારવારમાં દમ તોડી દીધો

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 135 નિર્દોષ લોકોનો ભોગ લેવાયાનું દર્દ હજુ ઓસર્યું નથી, ત્યાં વધુ એક બાળકીનું અકાળે મોત
  • બે દિવસ પહેલાં મચ્છુ નદીના પટમાં, રેસ્ક્યૂ ચાલી રહ્યું હતું એ જ સ્થળે બની હતી દુર્ઘટના

મોરબી શહેર પર એક પછી એક ઘાત જાણે દૂર થવાનું નામ જ ન લેવા માગતી હોય તેમ લાગી રહ્યું છે. મચ્છુ નદી પરના ઝુલતા પુલે 135નો ભોગ લીધાની ઘટનામાં હજુ મોરબી વાસીઓના આંસુ સુકાયા નથી, ત્યાં આ સ્થળ પર જ ઘટેલી એક ઘટનાએ ફરી એકવાર એક પરિવારનો સભ્ય છીનવી લીધો હતો.

બે દિવસ પહેલાં જ્યાં મચ્છુ નદીના પટમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યાં પાસે જ મચ્છુ બારી પાસે એક સ્કૂલ બસ બંધ પડી હતી અને જે ઢાળના લીધે દડવા લાગી હતી, જેના પગલે પાછળથી પસાર થઇ રહેલાં નિર્દોષ માતા પુત્રીઓ તેની અડફેટે આવી ગયા હતા અને ત્રણેને ગંભીર ઇજા પહોંચી હતી, જો કે એનડીઆરએફની ટીમ એ સમયે ઘટનાસ્થળે હાજર હતી આથી તાબડતોબ જવાનો એ ત્રણેને સિવિલમાં સારવાર માટે લઇ ગયા હતા, પરંતુ એકની સારવાર કારગત નિવડી ન હતી અને એક બાળકીનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે પરિવારમાં ઘેરો શોક છવાયો હતો અને બીજી તરફ વધુ એક મોતની ઘટના બનતાં શહેર પર વધુ અેક કાળી ટીલી લાગી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરની નાની બજાર વિસ્તારમાં રહેતા રસીદાબેન સમીરભાઇ બ્લોચ નામની મહીલા તેની 11 વર્ષની પુત્રી નૈકી અને અલી સાથે ચાલીને જતા હતા તે દરમિયાન જીજે-૦૩-ડબ્લયુ-૫૪૯૧ નંબરની બસ કે જે બંધ ઉભી હતી, તે ઢાળ પર ઉભેલી હોઇ, અચાનક જ દળવા લાગતાં ત્યાંથી પસાર થતા માતા પુત્રી સહિત ત્રણને હડફેટે લેતા માતા અને બન્ને સંતાનને ગંભીર ઈજા પહોંચી હતી. જો કે એ વખતે મચ્છુ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હોઇ, સ્થળ પર હાજર એનડીઆરએફની ટીમ ધસી ગઇ હતી અને તમામને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવારમાં 11 વર્ષીય નૈકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ બાદ રસીદાબેને બસ ચાલક ભરતભાઇ નાનજીભાઇ પઢીયાર વિરુદ્ધ બેદરકારી દાખવી વાહન ચલાવવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે કલમ ૩૦૪(અ),૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...