ટ્રાફિક જામ:મોરબીમાં રિક્ષા સાથે ટકરાયા બાદ એસટી બસનો ચાલક નાસી જતાં સર્જાયો ટ્રાફિક જામ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનાળા રોડ પર ઇન્ટરસિટી બસસ્ટેશનમાં જાય તે પહેલાં અથડાઇ, ડાયવર્ઝનનો વળાંક સાંકડો હોય વારંવાર થાય છે અકસ્માતો

મોરબીના શનાળા રોડ પર સૂપર માર્કેટ સામે વહેલી સવારે રાજકોટ મોરબી ઇન્ટર સીટી બસ સ્ટેશન અંદર જતી હતી તે દરમિયાન બસનો અકસ્માત સર્જાયો હતો. એસટી બસે સ્ટેશનમાં જવા વળાંક લીધો કે સામેથી પાણીની હેરાફેરી કરતા છકડો રીક્ષા ધસી આવી હતી અને બસ સાથે અથડાઈ હતી. આ ઘટના બાદ એસટી બસનો ડ્રાઈવર મુસાફરોને ઉતારી બસ ત્યાં જ મૂકીને જતો રહ્યો હતો. જે બાદ રોડની બન્ને સાઈડ ટ્રાફિક જામ સર્જાયો હતો.

જો કે બાદમાં બસને ઘટના સ્થળેથી દૂર કરવામાં આવતા અંતે વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાયો હતો. નવા બસ સ્ટેશનના ચાલી રહેલા કામના લીધે અપાયેલા અણઘડ ડાયવર્ઝનના લીધે આવું અવારનવાર બને છે અને એસટી બસના ચાલકની આવડતની કસોટી થયા કરે છે.

મોરબી શનાળા રોડ પર નવા બસ સ્ટેશનનું કામ છેલ્લાઆઠ મહિનાથી ચાલી રહ્યું છે. જેથી જૂનો પ્રવેશ દ્વારા બંધ કરી સુપર માર્કેટ તરફના વળાંક બસ પાસે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જો કે એસટી વિભાગ દ્વારા જે ડાયવર્ઝનનો વળાંક સાંકડો હોવાથી બસને પુરતો વળાંક મળતો ન હોવાથી અવાર નવાર નાના મોટા અકસ્માત સર્જાયા છે.

અગાઉ પણ અહીં ભૂગર્ભ ગટરનું ઢાકણું અવાર નવાર તૂટી જતું હોવાથી બસ અંદર પડી જવાની ઘટના બનતી રહે છે તેમ છતાં પાલિકા અને એસટી તંત્ર સંકલન કરી આ સમસ્યાનો લાંબા સમયનો ઉકેલ લાવવા શા માટે પ્રયત્ન નથી કરતા એ સૌથો મોટો સવાલ છે. લાગે છે કે બન્ને તંત્ર કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યા છે !

અન્ય સમાચારો પણ છે...