મત ગણતરી:196 ગ્રામ પંચાયતનો તાજ કોના શીરે આજે ફેંસલો, 73 આર.ઓ. અને 540 કર્મચારી જોડાશે‎

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ઘુંટુ પોલિટેકનિક કોલેજ ખાતે રાખવામાં આવેલી મતપેટીઓમાં જળવાયેલું સસ્પેન્સ આજે ખુલશે અને  પંચાયતોના સુકાની નક્કી થશે.‎ - Divya Bhaskar
ઘુંટુ પોલિટેકનિક કોલેજ ખાતે રાખવામાં આવેલી મતપેટીઓમાં જળવાયેલું સસ્પેન્સ આજે ખુલશે અને પંચાયતોના સુકાની નક્કી થશે.‎
 • જિલ્લાના 5 સ્થળ પર 108 ટેબલ પર હાથ ધરાશે મતગણતરી

મોરબી જિલ્લાની અલગ અલગ 196 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને એક ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું.જેમાં 79 ટકા જેટલું ધીંગુ મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ જિલ્લામાં કુલ 5 સ્થળ પર રાખેલ ડિસ્પેચ સેન્ટરમાં મતપેટીઓ રાખવામાં આવી હતી.મંગળવારે આ તમામ મત પેટીમાં રહેલા મત થકી ઉમેદવારનું ભાવિ ખુલશે. મંગળવારે સવારે 9 વાગ્યાથી તમામ સેન્ટર પર મત ગણતરી શરૂ થશે.

મોરબી જિલ્લાની 197 ગ્રામ પંચાયતમાં 504 સરપંચ પદ માટે અને 2210 ઉમેદવારના ભાવિનો ફેંસલો મંગળવારે થવાનો છે. ગત રવિવારના રોજ સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં મતદારોએ ઠંડીની પરવા કર્યા વગર ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મોરબી જિલ્લાના પાંચ તાલુકાની 197 ગ્રામ પંચાયતમાં કુલ 79 ટકા મતદાન થયું હતું. તાલુકા પંચાયત મુજબ વાંકાનેર તાલુકામાં સૌથી વધુ 81.17 ટકા અને માળિયામાં સૌથી ઓછું 73 ટકા મતદાન થયું હતું.

અન્ય તાલુકાઓની વાત કરીએ તો મોરબી તાલુકામાં 73.79 ટકા, ટંકારામાં 78.41 ટકા,હળવદમાં 81.17 ટકા મતદાન થયું હતું. હવે મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે અને તાલુકા વાઇઝ મથકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં મોરબી માટે રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર સરકારી પોલીટેક્નિક કોલેજ-ઘુંટુ, ટંકારા માટે ઓરપેટ કન્યા વિદ્યાલય, વાંકાનેરના અમરસિંહજી હાઇસ્કુલ, હળવદમાં મોડેલ સ્કૂલ, માળીયામાં મોટી બરાર ખાતેની મોડેલ સ્કૂલ ખાતે જ આવતીકાલે મતગણતરી પ્રક્રિયા પણ હાથ ધરાશે.

આ મતગણતરી પ્રક્રિયા માટે જરૂરી સ્ટાફ અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં પાંચ સ્થળો પર એક સાથે મતગણતરી થવાની છે. અને તમામ સ્થળ પર સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થશે.

108 ટેબલ પર‎ ગણતરી થશે‎
મોરબી જિલ્લામાં કુલ 5 સ્થળો પર મત ગણતરી હાથ ધરવામાં આવશે.જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતના મત ગણતરી સુવ્યવસ્થિત અને યોગ્ય સમયે પૂર્ણ થઈ જાય તે માટે તંત્ર દ્વારા અલગ અલગ તાલુકામાં મત ગણતરી સ્થળ ફાળવણી કરવામા આ માટે કુલ 108 ટેબલ પર મત ગણતરી હાથ ધરવામાં આવશે. મત ગણતરી માટે કુલ 73 આર.ઓ અને 540 કર્મચારીઓની પણ ફાળવણી કરવામાં આવી છે. અને ગણતરીના કલાકોમાં જ પરિણામ આવી જવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...